લંડનઃ ભારતીય બેંકો પાસેથી રૂ ૯,૦૦૦ કરોડની લોન લઈને પરત ન ચૂકવવા બદલ વોન્ટેડ ૬૧ વર્ષીય લિકર કિંગ વિજય માલ્યાની મંગળવારે લંડનમાં ધરપકડ થઈ હતી. જોકે, સુનાવણી માટે વેસ્ટમિન્સ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ હાજર માલ્યાએ ૬૫૦,૦૦૦ પાઉન્ડના બોન્ડ રજૂ કરતા તેના જામીન મંજૂર થયા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ કરેલા મની લોન્ડરિંગના બીજા કેસમાં આ ભાગેડૂ બિઝનેસમેનની ધરપકડ કરાઈ હોવાનું યુકેની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે જણાવ્યું હતું.
માલ્યાએ કોર્ટ બહાર જણાવ્યું હતું, ‘હું જે આક્ષેપો કરાયા છે તે તમામને નકારી કાઢું છું અને તેને નકારતો જ રહીશ. હું કોર્ટથી છૂપાતો નથી. મારી વાત પૂરવાર કરવા માટે મેં પૂરતા પૂરાવા આપ્યા છે.’
વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટસ કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણના કેસની સુનાવણી કરી રહેલા ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા લુઈસ આર્બથનોટે અગાઉની શરતો મુજબ જ માલ્યાના જામીન મંજૂર કર્યા હતા. આ કેસની આગામી સુનાવણી ૨૦ નવેમ્બરે હાથ ધરાશે.
અગાઉ, માલ્યાના પ્રત્યાર્પણ માટે ભારતે કરેલી રજૂઆતને પગલે સ્કોટલેન્ડ યાર્ડે ગઈ ૧૮ એપ્રિલે માલ્યાની ધરપકડ કરી હતી. તેમાં તેના જામીન મંજૂર થયા હતા ત્યારથી તે જામીન પર મુક્ત છે. માલ્યાના પ્રત્યાર્પણ અંગેના કેસની વધુ સુનાવણી આગામી ડિસેમ્બરમાં હાથ ધરાશે.