અત્યાચારભર્યા (એબ્યુસીવ) મુકદ્દમા બદલ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઅોમાં સૌથી વધુ જાણીતા અને વિશાળ માત્રામાં ક્લાયન્ટ્સ ધરાવતા લંડનના વિલ્સડન સ્થિત મલિક અને મલિક સોલિસીટરના અનુભવી ઇમિગ્રેશન સોલિસીટર ભાઇઅો મલિક મોહમ્મદ સલીમ ઉપર પ્રેકટીસ કરવા ઉપર ૧૮ માસનો પ્રતિબંધ અને મલિક મોહમ્મદ નઝીર ઉપર £૨૦,૦૦૦નો આકરો દંડ ફટકારી બન્ને ભાઇઅોને પ્રેકટીસ કરવા પર વિવિધ શરતો અને નિયંત્રણો લાદવામાં આવ્યા છે. બન્ને ભાઇઅો સામે હતાશાજનક દેશનિકાલ (ફ્રસ્ટ્રેટ ડીપોર્ટેશન) માટે સુનિયોજિત રીતે ન્યાયીક સમીક્ષાઓ (જ્યુડીશીયલ રીવ્યુ) કરવાના આરોપ બદલ નવેમ્બર માસમાં થયેલી સુનાવણી બાદ શિસ્તભંગનો ચૂકાદો સોલિસીટર ડીસીપ્લીનરી ટ્રાઇબ્યુનલે આપ્યો હતો.
હોમ અોફિસના જણાવ્યા મુજબ મલિક એન્ડ મલિક સોલિસીટર ફર્મ દ્વારા એપ્રિલ ૨૦૧૪થી જુલાઈ ૨૦૧૫ દરમિયાન અદાલતી સમીક્ષાના ૩૫ કેસોને ગુણવત્તા વગર સંપૂર્ણપણે પ્રમાણિત કર્યા હતા. આ કેસને રજૂ કરનાર સોલિસીટર રેગ્યુલેશન ઓથોરિટીએ આરોપ લગાવ્યો હતો કે 'ગુણવત્તા વગરના દાવાઓ જાણી જોઇને રચાયેલ યુક્તિ મુજબના હતા જેથી "દાવેદારને જ્યાં સુધી ન્યાયીક સમીક્ષાઓ (જ્યુડીશીયલ રીવ્યુ) માટે કરેલા કેસનો નિર્ણય ન આવે ત્યાં સુધી દેશમાંથી ખસેડવા (દેશમાંથી પરત જવા) માટે રોકી શકાય.”
કેસમાં કરાયેલ રજૂઆતો અને વાજબી શંકા પછી ટ્રાઇબ્યુનલ સંતુષ્ટ થઈ હતી કે બંને સોલિસીટરો જાણતા હતા અથવા તો તેમના ધ્યાનમાં હોવું જોઇતું હતું કે જે તે કેસ કોર્ટમાં દલીલને લાયક પણ નથી છતાં તેમણે ક્લાયન્ટ્સ વતી ન્યાયિક સમીક્ષા (જ્યુડીશીયલ રિવ્યુ)ના દાવા કરીને અથવા કોર્ટમાં રજૂ કરીને કાનુની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો હતો. આ પાછળનો તેમનો સાચો હેતુ જે તે ક્લાયન્ટના કાયદેસરના નિષ્કાસન (રીમુવલ)ને નિષ્ફળ બનાવવાનો કે તેમાં મોડુ થાય તેમ કરવાનો હતો અને / અથવા જો તેમની કાયદેસર રીતે અટકાયત થાય તો તેમને છોડાવવાનો હતો.
ફર્મના ઇમીગ્રેશન ડિપાર્ટમેન્ટના ઇનચાર્જ અને "બે (અસીલો) માટે વધુ સજાપાત્ર" સોલિસીટર મલિક મોહમ્મદ સલીમ બે અસીલોને ચેતવણી આપવામાં નિષ્ફળ રહ્યા હતા કે તેઓ ખુદ જે દાવાઓ કરી રહ્યા છે તે "નિષ્ફળ જઇ શકે તેવા છે અને / અથવા બહાર કાઢી શકાય તેવા છે અને એક કિસ્સામાં તો "દેખીતી રીતે તે અસમર્થ" હોવાનું કહેવાય છે.
રેગ્યુલેટરના તમામ આરોપો સાબિત થયા ન હતા, અને ટ્રાઇબ્યુનલને જાણવા મળ્યું હતું કે "અસીલોને મદદ કરવા માટેની વધુ પડતી ઇચ્છાને કારણે ગેરવર્તણૂક ઊભી થઈ હતી જેને સલીમ માનતા હતા કે તે અસીલો નિર્દોષ છે.” સલીમ "કાયદાના આ ક્ષેત્રમાં સ્પષ્ટપણે જાણકાર છે અને તેમણે હકારાત્મક કેરેક્ટર રેફરન્સ ઉમેર્યા હતા". પરંતુ તેમણે "કોર્ટમાં દલીલ ન કરી શકાય તેવા પોઇન્ટ્સ મુક્યા હતા અને આમ કરવાથી તેમના ક્લાયન્ટ્સના પૈસા અને કોર્ટના સમય બગાડ્યા હતા". જેના પરિણામે તેમને ૧૮ મહિનાનું સસ્પેન્શન મળ્યું હતું, તેમજ સસ્પેન્શન સમાપ્ત થઈ જાય તે પછી તેમની પ્રેકટીસ પર વિવિધ શરતો અને નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
મલિક મોહમ્મદ નઝીરની ગેરવર્તણૂક તે હકીકતથી પ્રભાવિત થઈ હતી કે "તેણે, પોતાના ભાઇ સલીમ પર વિશ્વાસ કર્યો હતો, તેણે ભાઈ સલીમ જે રીતે પોતાનો વિભાગ ચલાવતો હતો અને તે વિભાગમાં જે ખામીઓ હતી તેના સામે આંખ આડા કાન કર્યા હતા". નઝીરને આ માટે £૨૦,૦૦૦નો દંડ અને પ્રેકટીસ પર વિવિધ શરતો અને નિયંત્રણો લાદવામાં આવ્યા છે. તેમને આ અગાઉ ૨૦૧૨માં પ્રોફેશનલ ઇન્ડેમ્નીટી ઇન્સ્યુરંશ માટેની અરજીના સંબંધમાં પણ £૫,૦૦૦નો દંડ થયો હતો.
રેગ્યુલેટર્સને તેમના કાનુની ખર્ચના £૫૨,૦૦૦થી વધારે એનાયત કરવા હુકમ કરાયો હતો.