લંડનઃ સંત તુલસીદાસ દ્વારા લિખિત અનંતકાલીન મહાકાવ્ય રામચરિત માનસ આધારિત રામાયણ કથાને ચેરિટી ચિન્મય મિશન યુકે દ્વારા તખ્તા પર જીવંત કરવામાં આવી હતી. ચેરિટી માટે ભંડોળ એકત્ર કરવા ૮થી ૮૦ વયજૂથના ૫૦થી વધુ સ્વયંસેવકોએ સત્ય, પ્રેમ અને ધર્મની કથાને તાદ્દશ કરતા ત્રણ કલાકના નાટ્યસ્વરુપની ભજવણી કરી હતી. લેસ્ટર, લંડન અને હેરો ખાતે ખીચોખીચ હોલ્સમાં રામાયણનું નાટ્યપ્રદર્શન કરાયું હતું. તમામ, જાતિ, રાષ્ટ્રીયતા અને ધર્મના ૧૯૦૦થી વધુ લોકો આ નાટકને નિહાળવા ઉમટી પડ્યાં હતાં.
રામાયણની મહાકથા સદીઓથી લાખો લોકોની કલ્પના અને આદરભાવને આકર્ષતી રહી છે. જીવનમાં ‘ધર્મ’ અથવા સત્યને આધારિત યોગ્ય પસંદગી કરવા તે લોકો માટે માર્ગદર્શક બની રહી છે. સમગ્ર નાટકમાં કર્તવ્ય, આસ્થા, મિત્રતા, ભક્તિ, પ્રેમ, બહાદુરી સહિતના અનંત મૂલ્યોની અભિવ્યક્તિ થઈ છે. સ્વયંસેવકો વચ્ચે પરિવારની ભાવના સર્જાઈ હતી અને આ કથામાંથી તેમને ઘણું શીખવા સાથે રંગમંચ પર રજૂ કરવાની અનોખી તક સાંપડી હતી.
આ નાટકની રજૂઆત અદાકારો સાથેની ટીમ તેમજ ઓડિયન્સ માટે પ્રેરણાદાયી, ઉત્કટ અને ઉર્ધ્વગામી અનુભવ બની રહ્યો હતો. રજૂઆતના વિવિધ સ્થળોએથી નાટકના સંગીત, નૃત્યો, અભિનય અને સંવેદનાની અભિવ્યક્તિ વિશે સકારાત્મક પ્રતિભાવો સાંપડ્યા હતા.