મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા ગાંધીજયંતીની ઉજવણી

Wednesday 05th October 2016 07:15 EDT
 
 

લંડનઃ મહાત્મા ગાંધી ફાઉન્ડેશનની ગાંધીબાપુની જન્મજયંતીની સભા તા. ૨૯-૦૯-૨૦૧૬ને ગુરુવારે કડવા પાટીદાર હોલ હેરોમાં મળી હતી. ભારતીય હાઈકમિશનના પ્રતિનિધિ ગ્યાનસિંઘ, હેરોના મેયર શ્રીમતી રેખાબેન નવીનભાઈ શાહ, બ્રેન્ટ અને હેરોના લંડન એસેમ્બલીના મેમ્બર નવીનભાઈ શાહ, ફાઉન્ડેશનના ગ્રાન્ડ પેટ્રન તથા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના તંત્રી સી.બી.પટેલ, પાર્લામેન્ટના મેમ્બર બોબ બ્લેકમેન, બ્રેન્ટ અને હેરોના કાઉન્સિલરો અને પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રમુખ અને મંત્રીઓ તથા અન્ય ક્ષેત્રોના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આરંભમાં પ્રાર્થના પછી જાણીતા ગાયિકા માયાબહેન દીપકે ભજનો અને ગીતો રજૂ કર્યાં પછી સંસ્થાના ઉપપ્રમુખ નીતીબહેન ઘીવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તે પૂર્વે દીપ પ્રાગટ્ય તથા મંધાતાના વિદ્યાર્થીઓ દ્વારા ‘ચક્રથી ચરખા સુધી’ કાર્યક્રમ રજૂ થયો હતો.

વિવિધ સંસ્થાના અગ્રણીઓએ પૂજ્ય બાપુને પુષ્પાજંલિ અર્પ્યા બાદ મેયર રેખાબહેને પોતાના પ્રવચનમાં ગાંધીજીના જીવનના મહત્ત્વના અંશો રજૂ કર્યા હતાં. ભારતીય હાઈ કમિશનના પ્રતિનિધિ ગ્યાનસિંઘે મનનીય પ્રવચન આપ્યું હતું. પ્રમુખ જગદીશ દવેએ સેવાના મહત્ત્વ વિશે વાત કરી સૌને સેવા કરવા સમજાવ્યા હતા. સી.બી. પટેલે પોતાની આગવી શૈલીમાં પોતાના પ્રાસંગિક વિચારો વ્યક્ત કર્યા હતા.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન જ કીરિટ વકાની ગ્રૂપના મરીનાબહેન અને સાથીઓએ અવારનવાર ભજન અને ગીતોનો દોર ચાલુ રાખ્યો હતો.

અંતમાં કાઉન્સિલર મનજીભાઈ કારાએ સૌનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંચાલન ઉપપ્રમુખ ઇલાબહેન પંડ્યાએ કર્યું હતું. કીર્તિ કેટરર્સના જયાબહેન પટેલની ભોજન વ્યવસ્થા, યોગી ડીવાઈનના સોસાયટીના સેવકો અને દાનવીરો તથા જાણ્યા-અજાણ્યા ઘણા મિત્રોના સહકાર બદલ MGFએ આભાર માન્યો છે.

------------------------

ફોટોલાઈનઃ ડાબેથી સુ.શ્રી નેહલ ઘીવાલા, હેરોના કન્ઝર્વેટીવ કાઉન્સિલર મનજીભાઇ કારા, ગુજરાત સમાચાર-એશિયન વોઇસના તંત્રી સી.બી. પટેલ, હેરો ઇસ્ટના એમ.પી. બોબ બ્લેકમેન, હેરોના મેયર કાઉન્સિલર રેખાબહેન શાહ, મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના પ્રમુખ ડો. જગદીશ દવે, ભારતીય હાઇકમિશનના પ્રતિનિધિ ગ્યાનસિંઘ, વાઇસ પ્રેસિડેન્ટ નીતિબહેન ઘીવાલા, સેક્રેટરી ભાનુભાઇ પંડ્યા તથા વાઇસ પ્રેસિડેન્ટ ઇલાબહેન પંડ્યા.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter