મહાત્મા ગાંધી મેમોરિયલ કમિટી- હલ દ્વારા મહાત્મા ગાંધી સંબંધિત વિષય પર આ વર્ષે વ્યાખ્યાનને બદલે પેનલ ડિસ્કશન યોજાયું હતું. તેમાં ચાર ગાંધી સ્કોલરો લોર્ડ ભિખુ પારેખ, લોર્ડ મેઘનાદ દેસાઈ, પ્રોફેસર ફૈસલ દેવજી અને ડો. શ્રુતિ કપિલાએ ગાંધીજી અને તેમની વીરાસત વિશે તેમના વિવિધ મંતવ્યો રજૂ કર્યા હતા. ગાંધીજી વિશે આ પહેલી વખત આ પ્રકારની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી અને આ નવીનતમ કાર્યક્રમને ખૂબ સફળતા સાંપડી હતી.
ગાંધી કમિટીના પ્રમુખ શ્રી અશ્વિન શાહે અદભૂત સ્વાગત વક્તવ્ય સાથે ડિસ્કશનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ વર્ષે કાર્યક્રમનું સ્વરૂપ શા માટે બદલાયું અને ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી હલ કેવી રીતે કરવા માગે છે તેની ૯૦ જેટલા ઉપસ્થિત અતિથિઓને સમજ આપી હતી.
લોર્ડ મેઘનાદ દેસાઈએ તેમની લાક્ષણિક અનૌપચારિકતા સાથે વક્તવ્ય રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે લંડનમાં વિદ્યાર્થી તરીકેના તેમના રોકાણ દરમિયાન પોતાના વિચારોને લોકોને ગળે ઉતારવાની બાબતે ગાંધીજી અત્યાર સુધીના સૌથી વિખ્યાત ભારતીય રહ્યા છે. તેઓ વેજિટેરિયન સોસાયટી મારફતે ઉદ્દામવાદી લોકોના ગ્રૂપના સંપર્કમાં આવ્યા હતા. નેતા તરીકે તેમની ઉંમર વીસ વર્ષથી વધુ હતી ત્યારે સાઉથ આફ્રિકામાં રાજકીય કારકિર્દીની શરૂઆતમાં તેમણે અનુયાયીઓને શિસ્તનું કડક પાલન કરવા સૂચના આપી હતી. તેમણે આત્મવિશ્વાસ ક્યાંથી મેળવ્યો તે હજુ પણ એક પ્રશ્ર જ છે. લિંગભેદના મુદ્દે તેઓ સુધારાવાદી હતા અને તેઓ ઘણી મહિલાઓને જાહેર જીવનમાં લાવ્યા હતા. પોતે અહિંસાવાદી હોવાથી તેમણે વિશાળ જનસમુદાયોને સીધી જ કાર્યવાહી માટે પ્રેરણા આપી હતી. તેથી તે નિઃશસ્ત્ર સંઘર્ષમાં પરિણમ્યો. લોર્ડ દેસાઈએ એમ પણ જણાવ્યું હતું કે આમ તો ગાંધીજી જાહેર જનતા પ્રત્યે માયાળુ હતા. પરંતુ, તેમના પત્ની અને બાળકો સહિત પરિવાર પ્રત્યે ક્રૂર હોય તેવું બની શકે.
તે પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીના ઈન્ડિયન હિસ્ટ્રીના પ્રોફેસર દેવજીએ ગાંધીજી અને ગીતાને કેન્દ્રસ્થાને રાખીને વાત કરી હતી. ગાંધીજી ઘણી વખત ભગવદ ગીતાના વાંચન દ્વારા નૈતિકતા પ્રકાર અને રાજકીય પગલાં વિશે વિચારતા હતા. ફરજને સૌથી વધુ મહત્ત્વ આપવા કૃષ્ણે અર્જુનને આપેલી સલાહનું ગાંધીજી રાજકીય અથવા નૈતિક કાર્યવાહીમાં પસંદગી વખતે પાલન કરતા. દરેક વ્યક્તિ માટે જે ખાસ હોય અને તે સ્વધર્મ કહેવાય છે. બુરાઈનો આધાર ભલાઈ એટલે કે સારપ પર હોય છે અને સારપ તેને સહકાર આપવાનું છોડી દે તો બુરાઈ પોતાના ભારથી જ ધ્વસ્ત થઈ જશે તેવું ગીતા શીખવે છે તેમ ગાંધીજી માનતા.
કોર્પસ ક્રિસ્ટી કોલેજ, કેમ્બ્રીજના ફેલો ડો. શ્રુતિ કપિલાએ જણાવ્યું હતું કે ગાંધીજીનું સૈદ્ધાંતિક યોગદાન સ્વયં માટે નવી થીયરી અને કાર્યપ્રણાલિ સૂચવવાનું હતું. હિંદ સ્વરાજ એ પોતાની નવી જાત માટેની શોધ હતી. ગાંદીજીના મતે આધુનિક જીવનશૈલી અને ટેક્નોલોજીથી જાતને નુક્સાન થયું છે અને સ્વયં પર આધારિત સ્વશિસ્તનું કેવી રીતે ઘડતર કરવું તે એક પડકાર છે. બ્રહ્મચર્ય, કાંતણ અને મૌનવ્રત રાખવાની તેમની કાર્યપ્રણાલિ કાલ્પનિક આધુનિક જીવનને અવરોધવાના હેતુસરની હતી. તેમને રાજકારણમાં રાજ્યની નહીં પરંતુ,વ્યક્તિગત સ્વતંત્રતાને પુનઃસ્થાપિત કરવાની ચિંતા હતી. હિંદ સ્વરાજની વધુ ચોક્સાઈપૂર્વક વ્યાખ્યા કરવી હોય તો ‘જાતનું શાસન’ એમ કહી શકાય.
તેમના પછી પેનલનું અધ્યક્ષપદ સંભાળનારા લોર્ડ ભીખુ પારેખે વક્તવ્ય આપ્યું હતું. તેમણે ગાંધીજીનો વારસો અને આઝાદી પછીના ભારતનું મહત્ત્વ તેનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે વાતને કેન્દ્રસ્થાને રાખી હતી. ગાંધીજી માટે ત્રણ પરિમાણ હતા. તેમના વિચાર, કાર્યવાહી અને જીવન. આ દરેક સ્તરે તેમની શક્તિઓ અને નબળાઈઓ હતી. વિચારના સ્તરે સત્યાગ્રહની પ્રણાલિ અને થીયરી વિક્સાવવામાં તેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું હતું. તેમણે ભારતને વિશ્વફલક પર રજૂ કર્યું હતું. વિવિધ ધર્મો અને ધર્મનું નિષ્ઠાપૂર્વક પરંતુ, જાહેરમાં પાલન કરનારા લોકો પાસેથી વિવિધ વિચારોના મિશ્રણને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તેમના જેવી ખૂબ ધાર્મિક વ્યક્તિ પોતાને માટે ધાર્મિક કટ્ટરતા અથવા સૈદ્ધાંતિકવાદના નિશાન મૂકવા જોઈએ નહીં તે ખૂબ આશ્ચર્યજનક કહી શકાય. ગાંધીજીનું જીવન અને મૃત્યુ તેઓ જે આદર્શો સાથે જીવવા માગતા હતા અને જે મહિમા હતો તેના ઉદાહરણ છે. તેઓ માત્ર કેવી રીતે જીવવું તે જ નહીં પરંતુ, કેવી ઉમદા રીતે મરવું તે પણ જાણતા હતા.
અંતમાં, શ્રીમતી નીતાબેન સોઢાએ આભારવિધિ કરી હતી. તે પછી સૌએ સ્વાદિષ્ટ ડિનરનો આનંદ માણ્યો હતો.