લંડનઃ બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે ત્યારે લંડનના ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે રાષ્ટ્રપિતાને આદરાંજલિ આપવાનો કાર્યક્રમ ભારતીય હાઈ કમિશન દ્વારા યોજાનાર છે. ભારતીય ડાયસ્પોરા અને ઈન્ડિયા લીગના અગ્રણીઓ પણ પુષ્પાંજલિ કાર્યક્રમમાં જોડાશે.
ગત વર્ષે નવા હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીની આગેવાનીમાં લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન અને ઈન્ડિયા લીગ દ્વારા મહાત્મા ગાંધીના 153મા જન્મદિને ઐતિહાસિક પ્રતિમાને સ્મરણાંજલિ અર્પવામાં આવી હતી. આ દિવસે ભારતીય ડાયસ્પોરા, પાર્લામેન્ટેરિયન્સ અને કોમ્યુનિટી અગ્રણીઓ લંડનના ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે એકત્ર થયા હતા. ‘અહિંસાદિન’ નિમિત્તે લંડનમાં ભારતીય હાઈ કમિશનની ટીમ, સાંસદો, કેમડેન સિટી કાઉન્સિલ અને ભારતીય ડાયસ્પોરાએ મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા.
હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે, ‘તેમનું જીવન સાદાઈ, સંઘર્ષ અને આપણા દરેકમાંથી કશું સારું બહાર લાવવાના પ્રયાસમાં જીવાયું હતું. આપણે જેમ તેમની સાથે જોડાતા ગયા તેમ જાણ થતી રહી કે તેમના ઉપદેશમાં શાણપણ અને મૂલ્યો સમાયેલા હતા જે સાર્વત્રિક રહ્યા છે.’
ઈન્ડિયા લીગના પ્રેસિડેન્ટ અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, ‘આવા હાડમાંસ અને લોહી સાથેનો આવો કોઈ માણસ આ પૃથ્વી પર વિચરતો હતો તેમ ભાવિ પેઢીઓ ભાગ્યેજ માનશે. આ શબ્દો મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનના હતા. પશ્ચિમી સભ્યતાના સૌથી બુદ્ધિશાળી દિમાગ સાથેની વ્યક્તિએ મહાત્માને આશ્ચર્યથી નિહાળ્યા હતા. વિશ્વમાં સૌથી ખતરનાક સમયમાં તેમણે જે મૂલ્યોની રજૂઆત કરી હતી તેના વિશે પણ વિચારો. આપણી સમક્ષ એવો માનવી હતો જેમના મૂલ્યો રાષ્ટ્રો અને ધર્મોથી પણ ઊંચેરાં હતાં.’