મહાત્મા ગાંધીના જન્મદિને શાંતિ પદયાત્રાનું આયોજન

Tuesday 15th September 2015 15:43 EDT
 
 

લંડનઃ મહાત્મા ગાંધીના જન્મદિન બીજી ઓક્ટોબર, શુક્રવારના દિવસે તેમની અહિંસાની વિચારધારાને સમર્પિત ગાંધી શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા ગીતા ફાઉન્ડેશન અને નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ તેમ જ વિવિધ સમુદાયો અને ધાર્મિક સંગઠનોના સહયોગમાં યોજાશે. ભારતીય હાઈ કમિશન દ્વારા સમર્થિત ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન્સથી સેન્ટ્રલ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર સુધીની પદયાત્રા ત્રાસવાદનો અંત લાવવા વિશ્વશાંતિને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધીએ અનુસરેલા સિદ્ધાંતોને અનુરુપ વિશેષ કાર્યક્રમ બની રહેશે.

ભારતીય હાઈ કમિશનર દ્વારા ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન્સ ગાંધીપ્રતિમાને ફૂલહાર કરાયા પછી સવારે ૧૧.૩૦ કલાકે પદયાત્રાનો આરંભ થશે અને પાર્લામેન્ટ સ્ક્વેરમાં ગાંધીજીની નવી મૂકાયેલી પ્રતિમા પાસે સમાપન થશે. આ સ્થળે મહાનુભાવો સંબોધન પણ કરશે.

પદયાત્રાનો સંભવિત માર્ગ આ મુજબ રહેશેઃ ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન્સ (૧૧.૩૦થી ૧૧.૪૫), વોબર્ન પ્લેસ (હોલ્બોર્ન અંડરગ્રાઉન્ડ સ્ટેશનથી આગળ), કિંગ્સવે, ઓલ્વિચ, સ્ટ્રાન્ડ, ટ્રેફાલ્ગર સ્ક્વેર, વ્હાઈટ હોલ, પાર્લામેન્ટ સ્ટ્રીટ અને પાર્લામેન્ટ સ્ક્વેર (બપોરે ૧.૦૦).

પદયાત્રાની આયોજક સંસ્થાઓ નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજના ટ્રસ્ટી પ્રવીણ અમીન અને ગીતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શરદ પરીખે કાર્યક્રમમાં સહભાગી થવા ઈચ્છતા સંગઠનોને ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૫ સુધી તેમના નામ નોંધાવી દેવા વિનંતી કરી છે. આ પછી યાદી જાહેર કરાશે. પદયાત્રામાં સંસ્થાના નામ સાથે શાંતિને ઉત્તેજન આપતાં સંદેશા મહત્તમ A3 સાઈઝના પ્લેકાર્ડ લોકો સાથે રાખી શકે તેની જ પરવાનગી મેળવાશે. આથી, આ વર્ષના કાર્યક્રમમાં કોઈ બેનરને સ્થાન આપી શકાશે નહિ. પદયાત્રામાં જોડાનારા લોકોને માર્ગદર્શન આપવા સ્વયંસેવકોની જરૂર હોવાનું પણ જણાવાયું છે.

આયોજક સંસ્થાઓએ જણાવ્યું હતું કે પદયાત્રા માર્ગમાં મુખ્યત્વે સિગ્નલ્સ સાથેના રાહદારી માર્ગો અને રાહદારી ક્રોસિંગ્સ આવરી લેવાયાં છે. જેઓ સમગ્ર માર્ગ પર ચાલી ન શકે તેઓ અધવચ્ચેથી બસનો ઉપયોગ કરી ફરી પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે જોડાઈ શકે છે.

આપણે કેટલાં ગંભીર છીએ, આ બાબત કેટલી મહત્ત્વપૂર્ણ છે તે દર્શાવવા અમારી સાથે જોડાઓ, અન્યો સાથે જોડાઓ. એકબીજા સાથે વાતચીત કરવાથી અને સમજવા થકી જ આ હાંસલ કરી શકાશે. મહાત્મા ગાંધીને સન્માનવા અને સમર્થન આપવા તરફનું આ નાનકડું કદમ બની રહેશે તેમ આયોજક સંસ્થાઓના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter