બીજી ફેબ્રુઆરીની સાંજે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરના મેમ્બર્સ ડાઈનિંગ રુમમાં ૧૧મા એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ ૨૦૧૭ પ્રસંગે જીવનના વિવિધ કાર્યક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરનાર સામાજીક, રાજકીય તેમજ અન્ય ક્ષેત્રના અગ્રણીઅોની સફળતાની સરાહના કરવા માટે અનેરો રોમાંચ અને ઉત્સાહ છવાયેલો હતો. અહીં ૧૯ મહાનુભાવોની સિદ્ધિઓને ઉજવણી કરી તેમને એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. બ્રેક્ઝિટ કેમ્પેઈનર જિના મિલર, બ્રિટિશ ભારતીય અભિનેતા દેવ પટેલ, આસિસ્ટન્ટ કમિશનર ઓફ મેટ પોલીસ અને ત્રાસવાદના પ્રખર વિરોધી માર્ક રોલી અને લેસ્ટર સિટી ફૂટબોલ ક્લબના પૂર્વ મેનેજર ક્લોડિઓ રૈનિરીનો એવોર્ડવિજેતાઓમાં સમાવેશ થયો હતો. સલૂણી સાંજના ઉદ્ઘોષિકા શીના ભટ્ટેસા હતા અને સમારંભના ચીફ ગેસ્ટનું સ્થાન હાઉસ ઓફ કોમન્સના ડેપ્યુટી સ્પીકર એલેનોર લેઈંગ MPએ શોભાવ્યું હતું.
ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર દિનેશ પટનાયકે એવોર્ડવિજેતાઓનો ઉલ્લેખ ‘વર્તમાનમાં આપણા માટે જરૂરી નાયકો’ તરીકે કરી જણાવ્યું હતું કે, ‘આજના વિશ્વમાં ચોતરફ અરાજકતા ફેલાયેલી છે ત્યારે વધુ સારા ભવિષ્ય માટે કાર્યરત થવા અને અન્યોને પ્રેરિત કરવા આપણી પાસે હીરોઝ હોય તે મહત્ત્વનું છે. આપણે કોમ્યુનિટી, સિસ્ટમ, સોસાયટી અને દેશમાં તેમજ સમગ્ર વિશ્વમાં સારી કામગીરી બજાવી રહ્યાં છીએ તે હકીકતની અમે કદર કરીએ છીએ તે લોકોને જણાવવા માટે એવોર્ડ્સ આપવા એ પણ મહાન માર્ગ છે.’ નાયબ હાઈ કમિશનર પટનાયકે પટેલબંધુઓ વિજયભાઈ અને ભીખુભાઈને ફિલાન્થ્રોપિસ્ટ્સ ઓફ ધ યર એવોર્ડ એનાયત કર્યો હતો.
કેમ્પેઈનર ઓફ ધ યરનો એવોર્ડ સ્વીકારતાં કાનૂની અને પાર્લામેન્ટરી ઈતિહાસમાં સ્થાન મેળવનારી અને કદાચ ઓસ્કારની કથાને પણ લાયક ગણાય તેવી બ્રેક્ઝિટ મુદ્દે સરકાર સામે લડાઈ આપનારાં મૂળ ભારતીય જિના મિલરે કહ્યું હતું કે, ‘આપણા વિચાર જાહેર કરવાની આપણી દરેકની જવાબદારી રહેલી છે. હું અહી મારી સફળતાઓના કારણે નહિ પરંતુ, નિષ્ફળતાઓના કારણે અહીં છું. તમારા અવાજ, અંતઃકરણ અને કાર્યની તાકાતને કદી ઓછી આંકશો નહિ. નૈતિક અને બૌદ્ધિક દૃષ્ટિએ બચાવ ન કરી શકાય તેવી વાતો કરનારાનો સામનો આપણે કરી શકીએ છીએ.'
મેટ્રોપોલીટન પોલીસમાં સ્પેશિયલ ઓપરેશન્સ માટેના આસિસ્ટન્ટ કમિશનર અને કાઉન્ટર ટેરરિઝમ ક્ષેત્રે યુકેમાં અગ્રેસર માર્ક રોલીનો પરિચય ‘જેમના કારણે આપણે શાંતિની નિદ્રા લઈ શકીએ છીએ’ તરીકે કરાવાયો હતો. એવોર્ડ સ્વીકારતા અને સફળતા માટે પોલીસ અને કોમ્યુનિટી વચ્ચે અનોખા સંબંધોને કારણભૂત ગણાવતા તેમણે જણાવ્યું હતું કે,‘હું આ એવોર્ડ દેશના તમામ પોલીસમેન અને વિમેનના વતી સ્વીકારું છું.'
એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ સમાજને પોતાની રીતે વિશિષ્ટ સેવા આપનારા અને તેઓ વર્તમાન અને ભાવિ વિશ્વને વધુ સારું બનાવવા તરફ જે વિશેષ પ્રદાન કરે છે તેવા નોંધપાત્ર વ્યક્તિઓને સન્માનવાનો વિનમ્ર પ્રયાસ છે.
યુકેમાં રાજકીય પ્રક્રિયામાં સહભાગી બની રહેવાની સદી પુરાણી પરંપરાના પરિણામે, મહિલાઓ અને લોકો વિવિધ પ્રકારે એકસમાન રીતે રાજકીય અને જાહેર જીવનમાં ભૂમિકા ભજવે છે. આ ભૂમિકાઓમાં રાજકીય પ્રતિનિધિ તરીકે હોદ્દો ધરાવવાથી માંડી મતદાન જેવા નાગરિક અધિકારોના ઉપયોગ તેમજ કોમ્યુનિટી અને સ્વૈચ્છિક સંસ્થા-સંગઠનોમાં સક્રિયતાનો સમાવેશ થાય છે.
આ વાર્ષિક એવોર્ડ્સ ગત ૧૨ મહિનામાં વિશિષ્ટ અસર ઉપજાવનારી વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે, જેમાં આંતરરાષ્ટ્રીય રાજકારણીઓથી માંડી પોતાની સ્થાનિક કોમ્યુનિટીમાં અસરકારક પ્રદાનથી મોટો તફાવત સર્જનારી વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
અગાઉના વર્ષોની માફક, આ વર્ષે પણ એવોર્ડ માટેની સ્પર્ધા ઘણી મજબૂત રહી હતી. આ એક અનોખો કાર્યક્રમ છે, જેમાં વાચકો ઉમેદવારના નામના સૂચન કરે છે અને સુવિખ્યાત મહાનુભાવોની બનેલી સ્વતંત્ર નિર્ણાયકોની પેનલ દ્વારા જ વિજેતાઓની પસંદગી કરવામાં આવે છે.
આ પ્રસંગે ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચારના’ પ્રકાશક/તંત્રી સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘અમારા એવોર્ડ્સની ૧૦મી વર્ષગાંઠે, દર વર્ષની માફક, અમે પોલિટિક્સ અને જાહેર જીવનમાં અભૂતપૂર્વ પ્રદાન કરનારા વ્યક્તિત્વોનું સન્માન કર્યું છે. પોતાના રાજકીય પક્ષ, જાતિ, વર્ણ અથવા ધર્મથી પર રહીને જે લોકોએ બ્રિટન માટે રચનાત્મક તફાવત સર્જ્યો છે તેમની સિદ્ધિઓની આપણે ઉજવણી કરીએ છીએ તેનો મને ભારે ઉત્સાહ અને આનંદ છે. હું વિજેતાઓને અભિનંદન પાઠવું છું. આપ સહુ તમારા સારા કાર્યને આગળ વધારતા રહેશો.’
સમારંભના માનવંતા મુખ્ય મહેમાન એલેનોર લેઈંગે જણાવ્યું હતું કે, ‘આ પ્રસંગમાં સામેલ થવું તે મારાં માટે મહાન ગૌરવની વાત છે અને એવોર્ડ્સ એનાયત કરતાં મને આનંદ થાય છે. જેમણે પોતાના જીવનકાળમાં સતત કાર્ય અને સેવા થકી પોતાના માટે જ નહિ, આસપાસના સમાજમાં જે તફાવત સર્જ્યો છે, તે બધાં લોકોને અહીં ઉપસ્થિત રહી સાથે મળતાં જોવાનો પણ એક લહાવો છે.'
‘મને ગત સપ્તાહે ગુજરાત (સુરત)ની મુલાકાત લેવાનો ભારે આનંદ સાંપડ્યો હતો અને ત્યાંની કોમ્યુનિટી ખરેખર ગતિશીલ-જોશપૂર્ણ હોવાનું મેં અનુભવ્યું છે. હું ત્યાં હતી તે સમયે મને સૌથી વધુ પ્રસન્નતા ગાઢ સંબંધોના મહત્ત્વ, યુનાઈટેડ કિંગ્ડમ અને ભારત તેમજ સમગ્ર એશિયા અને ઉપખંડ વચ્ચેના ભાઈચારાથી થઈ હતી.'
‘આજની સાંજે આ ઉજવણી અદ્ભૂત રહી છે. હું મિ. પટેલ અને એશિયન વોઈસનો આભાર માનવા માગું છું કે તમે સમગ્ર વિશ્વમાં આપણી તમામ કોમ્યુનિટીઝને એકસૂત્રમાં બાંધવા જે પ્રયાસો કરો છો તે અદ્ભૂત છે. આજની રાત્રે જેઓ એવોર્ડ જીત્યાં છે તેમજ એવોર્ડવિજેતાઓને સપોર્ટ કરનારા તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું. આ અદ્ભૂત ઉજવણી માટે હાઉસ ઓફ કોમન્સ દ્વારા પૃષ્ઠભૂમિ ઉપલબ્ધ કરી શકાઈ તેનો પણ મને આનંદ છે.’
એવોર્ડ વિજેતા મહાનુભાવોની યાદી
• કેમ્પેઈનર ઓફ ધ યર - જિના મિલર
• મિનિસ્ટર ઓફ ધ યર - રોરી સ્ટુઅર્ટ MP OBE
• સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર - ક્લોડિઓ રૈનિરી
• શેડો મિનિસ્ટર ઓફ ધ યર - ડાયેના એબોટ MP
• પબ્લિક સર્વિસ એવોર્ડ - માર્ક રોલી QPM, આસિસ્ટન્ટ કમિશનર
• એક્ટર ઓફ ધ યર - દેવ પટેલ
• ઈન્ટરનેશનલ ડાયવર્સિટી એવોર્ડ - મેરી એલન પાવર્સ
• ફિલાન્થ્રોપિસ્ટ્સ ઓફ ધ યર - ભીખુ પટેલ અને ડો. વિજય પટેલ
• પોલિટિકલ બુક ઓફ ધ યર - સર ક્રેગ ઓલિવર
• કન્ઝર્વેટિવ બેકબેન્ચર ઓફ ધ યર - ડેવિડ મોરિસ MP
• લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ - એચ. એસ. રાવ, ધ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા
• નોર્ધર્ન આયર્લેન્ડ MPઓફ ધ યર - જિમ શેનોન MP
• પીઅર ઓફ ધ યર - બેરોનેસ બ્રેડી CBE
• એવોર્ડ ફોર કોમ્યુનિટી સર્વિસ - દિપ્તી મિસ્ત્રી, ભારત વેલ્ફેર ટ્રસ્ટ
• ફાર્માસિસ્ટ ઓફ ધ યર - જિમ્મી દેસાઈ
• યંગ એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર - હરનૂપ અટકાર
• બિઝનેસ પરફોર્મન્સ એન્ડ ઈનોવેશન ઈન હેલ્થ ઈન્ડસ્ટ્રી - સેન્ટ જ્યોર્જ’સ મેડિકલ લિમિટેડ
• ડોક્ટર ઓફ ધ યર - પ્રોફેસર નાડે હકીમ
• લિબરલ ડેમોક્રેટ ઓફ ધ યર - ટીમ ફેરોનMP