લંડનઃ મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા દૈનિક પૂજા અને આરતી, ગીત-સંગીત, નૃત્ય, ઢોલ-ત્રાસા અને જીવંત વિસર્જન સાથે ૨૬મો ગણેશોત્સવ ઉજવાયો હતો. ૧૦ દિવસની ભવ્ય ઉજવણીમાં ૩,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી હતી. આ વર્ષે શનિવાર વાડાના થીમ પરનું ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું.
ભારત અને યુકેના ખ્યાતનામ કલાકારો પણ ઉજવણીમાં સામેલ થયા હતા. અમર ઓકનું બંસરીવાદન, અશ્વિની કાલસેકર અને રાગસુધા વિંજામુરીનું કથકનાટ્યમ, માનસી જોશીનાં નાંદી અને નાટ્યસંગીતની પ્રસ્તુતિ તેમજ અન્ય પરફોર્મન્સીસે ઓડિયન્સનું દિલ જીતી લીધું હતું. બ્રિટિશ ઈતિહાસમાં લંડનના સર્વપ્રથમ ભારતીય ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ, કલાકાર ઉદયરાજ ગદનીસ, ભારતીય હાઈ કમિશનના આશિષ શર્મા, હિન્દુ ફોરમ ઓફ યુરોપના પ્રેસિડેન્ટ મિસિસ લક્ષ્મી વ્યાસ સહિતના મહાનુભાવોએ ગણેશોત્સવમાં હાજરી આપી હતી.
મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) ગત ૨૫ વર્ષથી ગણેશોત્સવ ઉજવે છે. ગાંધીજી પ્રતિનિધિમંડળ સાથે ૧૯૩૨માં લંડનની મુલાકાતે આવ્યા ત્યારે ચેરિટી સંસ્થા MMLની સ્થાપના કરાઈ હતી. આ સંસ્થા મહારાષ્ટ્ર સહિત અન્યત્ર ચેરિટીના કાર્યોને મદદ કરે છે તેમજ બ્રિટનમાં સામાજિક આદાનપ્રદાનના મંચ તરીકે કાર્ય કરે છે. સંસ્થાની ૮૫મી વર્ષગાંઠે ૨૦૧૭માં લંડન મરાઠી સંમેલનનું પણ આયોજન કરાશે.
ઈન્ડિયન વિમેન ઈન લંડન એન્ડ ઈન્પાયરિંગ ઈન્ડિયન વિમેનના સભ્યો શિવાંગી ગોખલે, યેશા લાખાણી, સિલ્પા પારુચુરી, પ્રીતિદિપા બરુઆ, પ્રિયા ઐય્યર અને શિલ્પા ચૌધરી દ્વારા બેલે ડાન્સ ‘એકતા કી આવાઝ’ રજૂ કરાયો હતો. હાર્દિક વૈદ્ય અને નચિકેત ચંડાકના ગ્રૂપ્સ દ્વારા દેવ શ્રી ગણેશ વિશે અદિતિ પાટિલ અને ઋતુજા સિંહના નૃત્યની રજૂઆતો નયનરમ્ય બની રહી હતી. ૪-૧૦ વયજૂથના ૪૦ જેટલા બાળકો દ્વારા રજૂ કરાયેલા બાળ દરબારમાં શ્લોકપઠન, ગીતો, નૃત્ય અને વેદિક યોગનો સમાવેશ થયો હતો. કાર્યક્રમોનું કોમ્પીઅરિંગ નંદિની શિરાલકર અને મિસિસ વૈશાલી મંત્રી દ્વારા કરાયું હતું.