લંડનઃ ટ્રેનમાં માત્ર સ્ત્રીઓ માટે અલગ કમ્પાર્ટમેન્ટ રાખવાના લેબર નેતા જેરેમી કોર્બિનના પ્રસ્તાવ સામે જોરદાર વિરોધ થયો છે. લેબર પાર્ટીની નેતાગીરી સ્પર્ધામાં અગ્રેસર જેરેમી કોર્બીન માને છે કે ટ્રેનમાં માત્ર મહિલાઓ માટે અલગ ડબા રાખવાથી સેક્સ હુમલાઓ ઘટી શકે છે. જોકે, પ્રતિસ્પર્ધી અને શેડો હોમ સેક્રેટરી ઈવેટ કૂપરે આ પ્રસ્તાવને હાસ્યાસ્પદ ગણાવ્યો છે. ગયા વર્ષે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ક્લેર પેરીએ પણ માત્ર મહિલાઓ માટે ડબાની તરફેણ કરી હતી.
એજ્યુકેશન સેક્રેટરી નિકી મોર્ગન, યુનિસનના જનરલ સેક્રેટરી ડેવ પ્રેન્ટિસ, શેડો કેર સેક્રેટરી લિઝ કેન્ડાલ, શેડો હેલ્થ સેક્રેટરી એન્ડી બર્નહામ સહિતના નેતાએ આ દરકાસ્ત નકારી કાઢી છે. કોર્બિનના સહાયકોએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે તેમણે આ મુદ્દે મહિલાઓમાં ચર્ચા આરંભવાનો માત્ર પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મેટ્રોપોલીટન રેલવે દ્વારા ૧૮૭૪માં ‘લેડિઝ ઓન્લી’ કમ્પાર્ટમેન્ટની શરૂઆત કરાઈ હતી., પરંતુ બ્રિટિશ રેલવેઝ દ્વારા ૧૯૭૭માં તબક્કાવાર તે વ્યવસ્થા નાબૂદ કરવામાં આવી હતી. ભારત, જાપાન, બ્રાઝિલ સહિતના દેશોમાં આ પદ્ધતિ અમલમાં છે.