લંડનઃ ગત ઓક્ટોબરમાં માત્ર ૧૦ દિવસના ગાળામાં ઘરના બારણે જ આઠ મહિલાઓ પર જાતીય હુમલો કરનારા ગેરકાયદે અલ્જિરિયન ઈમિગ્રન્ટ મેહદી મિદાનીને જાતીય અને સામાન્ય હુમલાના ગુનાઓમાં દોષિત ઠરાવાયો હતો. મિદાની સાઉથ લંડનમાં મહિલાઓનો પીછો કરી તેમના ઘેર પહોંચતો હતો અને તેમની સાથે બળજબરીથી કિસ સહિત અશ્લીલ વર્તન કરતો હતો, જે સીસીટીવીના ફૂટેજના ઝડપાયું હતું. તેને ૨૭ મેએ સજાની જાહેરાત કરાશે અને આ સજા ભારે હોઈ શકે છે.
થોડાં મહિના અગાઉ જ અલ્જિરિયાથી આવેલા ૨૮ વર્ષીય મિદાનીએ ૨૨ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબરના ગાળામાં રાત્રે ચાલીને ઘેર જતી આઠ મહિલાનો તેમના ઘર સુધી પીછો કર્યો હતો અને તેમની સાથે અશ્લીલ વર્તન કર્યું હતું. પોલીસે એક હુમલાના સીસીટીવી ફૂટેજ રીલીઝ કરી તેના વર્તન અંગે એલાર્મ જાહેર કર્યાં પછી તેની ધરપકડ કરાઈ હતી. આ ફૂટેજમાં એક પુરુષને મહિલાનું સ્કર્ટ ઊંચુ કરતો દર્શાવાયો હતો. ઈનર લંડન ક્રાઉન કોર્ટ સમક્ષની સુનાવણીમાં મિદાનીએ પોતાના ગુનાઓની કબૂલાત કરી હતી.
મિદાની આયર્લેન્ડ થઈને બ્રિટનમાં ગેરકાયદે આવ્યો હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરાઈ હતી અને તેને સજા સંભળાવાય તે પછી હોમ ઓફિસ તેને દેશનિકાલ કરવાની મંજૂરી માગી શકે છે. તેનું ઈમિગ્રેશન સ્ટેટસ અસ્પષ્ટ હોવાની રજૂઆત અગાઉની સુનાવણીમાં થઈ હતી. આ ઘટનાઓ સંબંધે પડકાયેલા ત્રણ શકમંદને સ્કોટલેન્ડ યાર્ડે છોડી દીધા છે.