લંડનઃ યુકેની 80 કંપનીમાં માઈગ્રન્ટ વર્ક્સના ફાળા અને અસર વિશે ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ દ્વારા ગુણાત્મક અને ઊંડા અભ્યાસમાં જણાવાયું છે કે માઈગ્રન્ટ કામદારોએ તેમના એમ્પ્લોયર્સ માટે વિવિધ લાભોનું સર્જન કર્યું છે, જેમાં ઉત્પાદકતામાં વધારો અને કંપનીના વિસ્તરણનો સમાવેશ થાય છે. જોકે, હોમ સેક્રેટરી થેરેસા બ્રિટિશ વિઝા વધુ મુશ્કેલ બનાવવા મક્કમ છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે યુકેમાં કામ, અભ્યાસ અથવા બિઝનેસ મીટિંગમાં હાજરી આપવા ઈચ્છુક વિદેશી મુલાકાતીઓએ બ્રિટિશ મૂલ્યોને પ્રદર્શિત કરવાં પડશે. આનાથી બ્રિટન આવવા ઈચ્છતાં માઈગ્રન્ટ્સ નિરુત્સાહી બનશે.
નોકરીદાતાઓ સાથે ઈન્ટરવ્યૂઝના પગલે ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસના રિપોર્ટમાં જણાવાયું છે કે માઈગ્રન્ટ વર્ક્સ તેમના સાથીઓને આઈટી ટેક્નિક્સ સહિત નવી કુશળતાઓ શીખવે છે, જેનાથી રોજબરોજની કામગીરીમાં વિધેયાત્મક સુધારો થાય છે અને નવી પહેલ સર્જાય છે. આ ઉપરાંત, સંચાલન અનુભવ, ભાષાકીય જ્ઞાનનું ભાથું તેમની પાસે હોય છે, જેનો લાભ કંપનીને મળે છે. બિઝનેસીસને સંભવિત પ્રતિભાશાળી અરજદારોની સહિયારી યાદી મળી રહે છે.
બિઝનેસ સેક્રેટરી વિન્સ કેબલે જણાવ્યું હતું કે, ‘ઘણાં બ્રિટિશ બિઝનેસીસ બ્રિટિશ કામદારો કામદારો દ્વારા નહિ પૂરાતી ભૂમિકા માટે યુરોપ તથા અન્ય દેશોના લોકોની કુશળતા પર આધાર રાખે છે. આ સંશોધન દર્શાવે છે કે વિદેશી કામદારો નવા આઈડિયા અને પહેલના પરિચય સાથે બ્રિટિશ બિઝનેસના વિકાસને ઉત્તેજન આપે છે એટલું જ નહિ, તેમના અદભૂત ઓવરસીઝ નેટવર્ક્સ અને સાંસ્કૃતિક જ્ઞાનના ઉપયોગથી તેમની કંપનીના વિદેશમાં વિસ્તરણનું ગતિશીલ બળ બને છે.’