લંડનઃ તાજેતરના વર્ષોમાં લંડન અને યુકેના નેટ આંતરરાષ્ટ્રીય માઈગ્રેશનમાં સતત વધારો થયો છે અને આ વધારામાં ઈયુનો સિંહફાળો રહ્યો છે. ઈયુના માઈગ્રન્ટ્સ કામ માટે જ મુખ્યત્વે યુકે આવે છે. લંડન એસેમ્બલી ઈકોનોમી કમિટી દ્વારા લંડનમાં માઈગ્રેશન પર ટુંકા અને લાંબા ગાળાની અસરો શું હોઈ શકે તેને તપાસવા ૧૭ જાન્યુઆરી, મંગળવારે સિટી હોલમાં ધ ચેમ્બર ખાતે બેઠકનું આયોજન કરાયું હતું.
વર્ષ ૨૦૧૫માં લંડનમાં પાંચ મિલિયન નોકરીના ૧૨ ટકા (૬૦૦,૦૦૦) નોકરી ઈયુ દેશોમાં જન્મેલા વર્કર્સના હાથમાં હતી. લંડનમાં હોસ્પિટાલિટી અને હેલ્થ જેવા ચોક્કસ ક્ષેત્રો ઈયુમાં જન્મેલા વર્કર્સ પર વિશેષ આધારિત છે. એકોમોડેશન અને ફૂડ સર્વિસીસ સેક્ટરના કર્મચારીઓનો ત્રીજો હિસ્સો (૭૯,૦૦૦ નોકરી) ઈયુ દેશોમાં જન્મેલો છે, જ્યારે લંડનમાં NHSના ૧૦માંથી એક (૬૦,૦૦૦) કર્મચારી ઈયુમાંથી આવે છે. રેફરન્ડમ પછી ઈયુ નાગરિકો યુકે છોડી જવાનું આયોજન કરે છે? હોસ્પિટાલિટી અને હેલ્થ જેવાં સેક્ટરો પર માઈગ્રેશન પોલિસીમાં ફેરફારોની સંભવિત અસરો શું હોઈ શકે? સહિત લંડન પર બ્રેક્ઝિટની અસરો વિશેની શ્રેણીની આખરી અને પાંચમી બેઠકમાં મેડેલીન સમ્પશન (ડિરેક્ટર માઈગ્રેશન ઓબ્ઝર્વેટરી, ઓક્સફર્ડ યુનિ.), ડેવિડ ગુડહાર્ટ (હેડ ઓફ ડેમોગ્રાફી, ઈમિગ્રેશન એન્ડ ઈન્ટિગ્રેશન, પોલિસી એક્સચેન્જ), સુંદર કાટવાલા ( ડિરેક્ટર, બ્રિટિશ ફ્યુચર), ડેની મોર્ટિમેર (ડિરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ રિલેશન્સ એન્ડ રિવોર્ડ્ઝ, NHS એમ્પ્લોયર્સ), ઉફી ઈબ્રાહિમ (ચીફ એક્ઝિક્યુટિવ, ધ બ્રિટિશ હોસ્પિટાલિટી એસોસિયેશન) અને પ્યોત્ર કુબાલકા (બ્રિટિશ પોલિશ ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય) દ્વારા સંબોધનો કરાયાં હતાં.