લંડનઃ ઘણા વૃદ્ધ લોકો મગજની શક્તિ વધારવા માછલીના તેલનો પૂરક આહાર તરીકે ઉપયોગ કરે છે. જોકે, એક અભ્યાસ અનુસાર તેઓ સમય અને નાણાનો પણ બગાડ કરી રહ્યા છે કારણ કે માછલીના તેલથી મગજશક્તિ ક્ષીણ થવામાં મંદતા આવતી નથી. વૈજ્ઞાનિકોએ પાંચ વર્ષ સુધી ૪,૦૦૦ લોકો પર નજર રાખી હતી. તેમને જણાયું હતું કે લોકોની વય વધતી જાય ત્યારે ઓમેગા-૩ કેપસ્યુલ લેવાથી મગજની શક્તિ વધતી હોવાના કોઈ ચિહ્નો દેખાતાં નથી.
નિયમિત માછલી ખાવાથી આંખમાં વય સંબંધિત મેક્યુલર ડીજનરેશન (AMD), હૃદયરોગ અને સ્મૃતિભ્રંશ ઘટતા હોવા વિશે પણ અનેક અભ્યાસો થયેલાં છે. આને માછલીમાં રહેલાં ઓમેગા-૩ ફેટી એસિડ તત્વ સાથે સાંકળવામાં આવે છે. જોકે, યુએસ નેશનલ આઈ ઈન્સ્ટિટ્યુટના ડો. એમિલી ચ્યુના કહે છે કે,‘લોકપ્રિય માન્યતાથી વિપરીત જન્મજાત મંદતાને અટકાવવામાં ઓમેગા-૩ સપ્લીમેન્ટથી કોઈ લાભ અમને જણાયો નથી.’ અલ્ઝાઈમર્સ રીસર્ચ યુકેના ડો. સિમોન રિડલીએ કહ્યું હતું કે,‘આ અભ્યાસમાં સંકળાયેલા વોલન્ટીઅર્સને વય સંબંધિત મેક્યુલર ડીજનરેશન હતું અને તેમની સારવાર ચાલતી હતી ત્યારે આ પરિણામો વ્યાપક વસ્તીને કેવી રીતે લાગુ પડે તે સમજવું મુશ્કેલ છે.’