લંડનઃ બેકર સ્ટ્રીટ સ્ટેશન પર તાજેતરમાં બનેલી એક ઘટનામાં ૩૯ વર્ષીય જતીન્દર દેવ પોતાની નવ મહિનાની પુત્રી જસ્મીન સાથે હેરો જવા માટે ટ્યુબમાં ચડતી હતી ત્યારે પ્લેટફોર્મ અને ટ્યુબ ટ્રેન વચ્ચેના ગેપમાં પડી ગઈ હતી. ગત ૧૮ જાન્યુઆરીએ બનેલી આ ઘટનામાં જતીન્દરને સોળ પડી ગયા હતા અને પીઠમાં દુઃખાવો થયો હતો. જસ્મીન તેની પ્રામ સાથે જ ફસાઈ જતા તે ઈજામાંથી બચી ગઈ હતી.
આ સમસ્યા માટે ૧.૫ બિલિયન પાઉન્ડના ખર્ચે લવાયેલી ટ્રેનોને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. તેના દરવાજા પ્લેટફોર્મના લેવલમાં છે. વ્હીલચેર દ્વારા ટ્રેનમાં દાખલ થવાનું સરળ બને છે પરંતુ, કેટલીક જગ્યાએ ગેપ વધી જાય છે. TfLમુજબ ૨૦૧૫માં બેકર સ્ટ્રીટ ખાતે ૫૨ સહિત કુલ ૩૦૭ બનાવો નોંધાયા હતા જે નવી ટ્રેનો આવી તે અગાઉના આવા બનાવોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો હોવાનું દર્શાવે છે.
જતીન્દર તેના એકાઉન્ટન્ટ પતિ હરજીન્દરની ઓફિસના સહકર્મચારીઓને જસ્મીનને બતાવવા માટે લઈ ગઈ હતી. ત્યાંથી તે મેટ્રોપોલિટન લાઈન સર્વિસ દ્વારા તેના ઘરે હેરો પાછી ફરતી હતી ત્યારે આ ઘટના બની હતી. લોકોએ તેને ઉપર લઈ લીધી હતી.
TfLને ફરિયાદ કરતા જણાવાયું હતું કે આ ઘટના સીસીટીવીમાં ઝડપાઈ ન હતી. પ્લેટફોર્મ પર સ્ટાફ હોય જ છે પરંતુ, કસ્ટમર સર્વિસ આસિસ્ટન્ટ પ્લેટફોર્મના બીજા છેડે હોવાથી તેમણે આ ઘટના જોઈ ન હતી. કોમ્પ્યુટરના હાર્ડડ્રાઈવમાં ક્ષતિ હોવાથી સીસીટીવીની તસવીરો ડાઉનલોડ થઈ ન હતી. બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસને આ ફૂટેજ મેળવતા બે મહિના લાગશે.