લંડનઃ જન્મજાત ખામી સાથે જન્મેલી બાળકી ઈવલીનનું જન્મના ચાર સપ્તાહ પછી મોત થયાં પછી પણ માતા શાર્લોટ ઝાકાક્સે તેનો સાથ છોડ્યો નહિ અને પથારીમાં પોતાની સાથે વળગેલી રાખી હતી. આના પરિણામે, માતાપિતાએ દુઃખનો સામનો કરવાની તાકાત મેળવી હતી.
૨૧ વર્ષીય શાર્લોટ ઝાકાક્સ અને ૨૮ વર્ષીય અટ્ટીલાને સપ્ટેમ્બર ૨૦૧૬માં ૨૦ સપ્તાહ પછી ગર્ભના સ્કેનિંગ વિશે આઘાતજનક માહિતી અપાઈ હતી કે તેમની બેબી ગર્લ ઈવલીન ક્રોમોસોમ એબનોર્માલિટીની ખામી ધરાવે છે. અવિકસિત મગજ, નાક અને ફેફસામાં સાંકડા એરવેઝ અને અતિ સાંકડી મહાધમની સાથે ઈવલીનનો જન્મ ૧૩ ડિસેમ્બરે થયો હતો. ચાર સપ્તાહ પછી યોર્કશાયરના વિધર્બી ખાતે માર્ટિન હાઉસ હોસ્પિસમાં ૧૦ જાન્યુઆરીએ તેનું મૃત્યુ થયું હતું.
ઈવલીનને મૃત્યુ પછી હોસ્પિસમાં રેફ્રિજરેટેડ ‘કડલ કોટ’માં રખાઈ હતી, જેથી પેરન્ટ્સ પોતાના દુઃખમાં સાંત્વના મેળવી શકે. યોર્કના આ દંપતી મૃત બાળાને સ્ટ્રોલરમાં રાખી બહાર ફરવા પણ લઈ જતાં હતાં. તેમણે આ રીતે ૧૨ દિવસ હોસ્પિસમાં અને ચાર દિવસ પોતાના ઘેર વીતાવ્યાં હતાં, જ્યાં ઈવલીનને તેમના રુમમાં જ પથારીમાં સુવડાવી રાખી હતી. ઈવલીનનું ફ્યુનરલ ૨૬ જાન્યુઆરીએ કરાયું હતું.
શાર્લોટે જણાવ્યું હતું કે, ‘ઈવલીન સાથે સમય વીતાવવાથી તેમને ભાવનાત્મક સાથ સાંપડ્યો હતો. આ યોગ્ય કહેવાય કે નહિ તે હું જાણતી નથી પરંતુ તેને અહીં રાખવાનું ગણું સારું લાગ્યું હતું. ઈવલીન આ રીતે પણ તેનાં ઘરમાં આવી શકી તે વિશેષ છે.’ શાર્લોટ ઈવલીનના જન્મના સાત કલાક સુધી જોઈ શકી ન હતી કે ત્રણ દિવસ સુધી તેને ગળે લગાવી શકી ન હતી.