લંડનઃ તમે ‘મધર ઈન્ડિયા’ ફિલ્મ જોઈ હશે તેમાં માતા પોતાના ડાકુ પુત્રને ગોળી મારી ઠાર કરે છે તેવી કથા છે. આવી જ વાત સ્કોટલેન્ડની બ્રિટિશ માતા માર્ગારેટ એન્ડરસનની છે, જેમણે પોતાના હત્યારા પુત્રને સામે ચાલીને પોલીસને સોંપી અનુકરણીય ઉદાહરણ પુરું પાડ્યું હતું. તેમણે માતાની લાગણી અને કાયદાના પાલનની ફરજ વચ્ચે ઝોલાં ખાધા પછી પોલીસને ઈમેઈલ દ્વારા પોલીસને માહિતી આપી હતી.
લી એન્ડરસને ૨૦૧૨માં લૂંટ કર્યા પછી સ્થાનિક દુકાનદાર જાવેદ અલીની હત્યા કરી હતી. આ ખૂનની તપાસ ૬૦ અધિકારીઓ હસ્તક હતી અને માહિતી આપનારને £૫૦,૦૦૦ના ઈનામની જાહેરાત પણ થઈ હતી. આમ છતાં, તપાસ અધૂરી રહેતા સાક્ષી માટે અપીલ કરવા ક્રાઈમવોચની મદદ લેવાઈ હતી. ઈમેઈલના પગલે પોલીસ આવતા માર્ગારેટે તેના પુત્રે મજાકમાં કરેલી કબૂલાત વિશે જણાવ્યું હતું અને ક્રાઈમવોચના એપિસોડમાં દર્શાવેલા વસ્ત્રો પુત્રના જ હોવાનું પણ કહ્યું હતું.
લી એન્ડરસને ગ્લાસ્ગો હાઈ કોર્ટ સમક્ષ ગુનો નકાર્યો હતો, પરંતુ તે દોષિત જણાતા તેને સપ્ટેમ્બર ૨૦૧૩માં ૧૫ વર્ષના કારાવાસની સજા ફરમાવાઈ હતી. પુત્ર લાંબી સજા કાપી રહ્યો હોવા છતાં હવે માતા-પુત્ર વચ્ચે સુમેળ છે અને તેઓ નિયમિત ફોન પર વાતચીત કરે છે.