લંડનઃ મેલિટા જેક્સનનું ૨૦૦૪માં મૃત્યુ થયું ત્યારે પોતાના વિલમાં તમામ મિલકતોમાંથી પુત્રી હીથર ઈલોટને એક પણ પાઈ ન પરખાવતાં ચેરિટીઝના નામે કરી દીધી હતી. એનિમલ ચેરિટીઝ સામે કાનૂની કાર્યવાહીમાં જજે હીથરને ૫૦,૦૦૦ પાઉન્ડ આપવા આદેશ કર્યો હતો, જેની સામે અપીલમાં આ રકમ વધારી ત્રણ ગણી કરવામાં આવી હતી. આ ચુકાદા સામે ત્રણ ચેરિટીઝ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાયાના પગલે કોર્ટે ચેરિટીઝની તરફેણ કરી અગાઉનો ચુકાદો ઉલટાવી નાખતા હીથરનો પરાજય થયો છે.
માતા મેલિટા જેક્સનની ઈચ્છા વિરુદ્ધ૧૭ વર્ષની વયે હીથરે ૧૯૭૮માં બોયફ્રેન્ડ નિકોલસ ઈલોટ સાથે રહેવા ઘર છોડ્યું હતું અને તેની સાથે લગ્ન પણ કર્યાં હતાં. પુત્રીનાં પગલાંથી નારાજ માતાએ તેની ૫૦૦,૦૦૦ પાઉન્ડની મિલકતો ત્રણ એનિમલ ચેરિટીઝને મળે તેવું વિલ કર્યું હતું. માતાના મૃત્યુ પછી હીથરને કોઈ રકમ મળી નહિ અને ૪૮૬,૦૦૦ પાઉન્ડની એસ્ટેટ ચેરિટીઝ બ્લુ ક્રોસ, રોયલ સોસાયટી ફોર ધ પ્રોટેક્શન ઓફ બર્ડ્સ અને રોયલ સોસાયટી ફોર ધ પ્રીવેન્શન ઓફ ક્રુઅલિટી ટુ એનિમલ્સને હસ્તક ગઈ હતી.
ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કાર્યવાહી કરતા હીથરને ૨૦૦૭માં ૫૦,૦૦૦ પાઉન્ડ આપવા હુકમ કરાયો હતો, જેની સામે અપીલમાં રકમ વધારી ૧૬૦,૦૦૦ પાઉન્ડ કરતો ચુકાદો ૨૦૧૫માં કરાયો હતો. હુકમથી નારાજ ચેરિટીઝે સુપ્રીમ કોર્ટમાં અપીલ સાથે દલીલ કરી હતી કે લોકોને તેમની મિલકતના લાભાર્થી પસંદ કરવાની આઝાદી હોવી જોઈએ. કોર્ટે આ દલીલ માન્ય રાખતા હીથરને હવે મૂળ ૫૦,૦૦૦ પાઉન્ડ જ મળે તેવો ચુકાદો આપ્યો હતો.