લંડનઃ સપ્તાહમાં પાંચ વખત ૩૦ મિનિટની કસરત ઔષધો કરતા પણ વધુ ચમત્કારિક અને અસરકારક સાબિત થઈ શકે છે તેમ એક નવા અભ્યાસના તારણો જણાવે છે. આ રીતે નિયમિત કસરત કરવાથી બ્રેસ્ટ કેન્સર અને ડીમેન્શિયા સહિતની બીમારી લાગવાનું જોખમ ઘટી જાય છે તેમ અભ્યાસનો દાવો છે.
૨૦૦થી વધુ સંશોધનોના વિશ્લેષણ પર આધારિત રિપોર્ટમાં જણાયું છે કે નિયમિત શારીરિક પ્રવૃત્તિ અનેક દવાઓ કરતાં પણ વધુ લાભકારી છે અને લોકો જેની શોધમાં રહે છે તેવો ચમત્કારિક ઉપચાર છે.
નિયમિત કસરત બ્રેસ્ટ કેન્સરના જોખમને ૨૫ ટકા જેટલું ઘટાડે છે, જ્યારે આંતરડાના કેન્સરનું જોખમ ૪૫ ટકા ઘટાડે છે. આપણે જેને સ્મૃતિભ્રંશ કે ચિત્તભ્રંશ તરીકે ઓળખીએ છે તે ડીમેન્શિયા થવાનું જોખમ ૩૦ ટકા જેટલું ઘટે છે. આ ઉપરાંત, સ્ટ્રોક આવવાનું જોખમ ૩૦ ટકા અને હૃદયરોગ થવાનું જોખમ ૪૦ ટકાથી વધુ ઘટી શકે છે. આ ઉપકાર નિયમિત કસરતનો છે.
કન્સલ્ટન્ટ ઓર્થોપીડિક સર્જ્યન અને અભ્યાસના મુખ્ય લેખિકા સ્કારલેટ મેક્નાલી કહે છે કે લોકોને પ્રવૃત્તિશીલ બનાવવામાં મદદરૂપ થવા ડોક્ટરોએ અગ્રભૂમિકા ભજવવી જોઈએ. આના પરિણામે NHS ને પાર વિનાની નાણાકીય બચત થશે એટલું જ નહિ, ટાઈપ-ટુ ડાયાબીટીસ જેવાં રોગોની સારવાર પાછળ અબજો પાઉન્ડ્સ ખર્ચવામાં આવે છે તે માત્ર ૩૦ મિનિટની નિયમિત કસરતથી અટકાવી શકાશે.