લંડનઃ ઐતિહાસિક યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરના લોન્ચિંગ રીસેપ્શનમાં નાણા પ્રધાન અરુણ જેટલી ઉપરાંત ફિલ્મ સ્ટાર્સ કમલ હાસન, સુરેશ ગોપી, ઓલ-રાઉન્ડર કપિલ દેવ, ગાયક ગુરદાસ માન, ફેશન ડિઝાઈનર્સ મનીષ અરોરા, અનિતા ડોંગરે અને મનીષ મલ્હોત્રા, સિતારવાદક અનુષ્કા શંકર અને તેની માતા સુકન્યા શંકર સહિતના વ્યક્તિવિશેષો ભારતીય ડેલિગેશન સાથે સામેલ થયા હતા. આ સાથે મિનિસ્ટર પ્રીતિ પટેલ, લંડનના નાયબ મેયર રાજેશ અગ્રવાલ પણ હાજર હતાં.
યુકેના ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે,‘ ડાયસ્પોરા અને બ્રિટિશ સરકારના એક સભ્ય હોવાનાં નાતે યુકે-ભારત સંબંધોની ઊંડાઈ નિહાળવી અદ્ભૂત લાગે છે. મિનિસ્ટર જેટલી સાથે આપણા બે દેશની રાજકીય પરિસ્થિતિ તેમજ આપણી સમક્ષની કલ્પનાતીત વેપાર તકો વિશે મારી ચર્ચાઓ થઈ હતી.’
લંડનના ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે,‘યુકે અને ભારત અનેક મોરચે ઈતિહાસમાં સહભાગી છે. વર્ષ ૨૦૧૭ને યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર તરીકે ઉજવવું તે મોટા સીમાચિહ્ન સમાન છે. ગત ૨૦ વર્ષમાં ભારતે ઘણી પ્રગતિ સાધી છે અને આપણા સંબંધોને સતત તાજા કરતા રહેવાની જરૂર પણ છે.’
અભિનેત્રી આયેશા ધારકરે જણાવ્યું હતું કે,‘હું ભવિષ્યમાં જે સંગ્રહાયેલું છે તેના વિશે મને તાલાવેલી સાથે ભારે રોમાંચ છે.’
રીસેપ્શનમાં ઉપસ્થિત તામિલ અભિનેતા અને અને ફિલ્મનિર્માતા કમલ હાસને જણાવ્યું હતું કે,‘પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા મારા નામની ભલામણ કરાઈ તે ભારે બહુમાન છે. ભારત અને યુકેના સહભાગી ઈતિહાસની ઉજવણી એક મહાન પ્રસંગ છે. ઈંગ્લિશ ભાષા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને હું તેનો ઉલ્લેખ આપણને સહુને એકસંપ બનાવતી મહાન ભારતીય ભાષા તરીકે કરું છું.’
ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ઓલ-રાઉન્ડર કપિલ દેવે જણાવ્યું હતું કે,‘ ભારત-યુકે સંસ્કૃતિ સંબંધે આ પ્રકારની ઉજવણી ઘણા સમય પહેલા થવી જોઈતી હતી.’ યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વાય કે. સિન્હાએ આ તક ઝડપીને ભારતીય ક્રિકેટમાં દંતકથા બનેલા કપિલ દેવને યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરના કાર્યક્રમોના ભાગરુપે જૂન મહિનામાં યોજાનારા વિશે, ક્રિકેટ ઈવેન્ટમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું, જેનો તેણે સ્વીકાર કર્યો હતો.
મલયાલમ સુપરસ્ટાર અને રાજકારણી સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે,‘આપણે ભારતની આઝાદીના ૭૦ વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે મહાત્મા ગાંધીને યાદ કરવા જ જોઈએ. હું સૌથી લાંબુ શાસન કરનારા બ્રિટિશ રાજવી અને દંતકથારુપ ક્વીનને નજીકથી નિહાળવાનો લહાવો લેવા માગું છું. આપણે આ શાસન હેઠળ હતા અને તેમણે ભારતમાં આરંભેલી ઘણી સારી બાબતો આપણી પાસે છે, જેનું આપણે ગૌરવ ધરાવીએ છીએ. પરંતુ આપણે તેના પર નિર્માણ કર્યું છે અને સૌથી વિકસિત રાષ્ટ્રોમાં સ્થાન મેળવવા તરફ ગતિ કરી રહ્યા છીએ.’
યુકેસ્થિત ભારતીય મૂળના ફિલ્મનિર્માતા ગુરિન્દર ચઢ્ઢાએ આ સાંજને બે સંસ્કૃતિઓના ‘સંપૂર્ણ સમન્વય’ તરીકે ગણાવી હતી.
પંજાબી ગાયક ગુરદાસ માને ઉમેર્યું હતું કે,‘જો મને તક મળશે તો હું ભાંગડા નૃત્ય કરવા તૈયાર છું.’
એક્ટર કુણાલ નાયરે જણાવ્યું હતું કે,‘મારો જન્મ હંસલોમાં થયો હતો. એક બ્રિટિશ બાળક, જેનો ઉછેર નવી દિલ્હીમાં થયો અને તે પછી અમેરિકા પહોંચ્યો અને આ ટીવી શો (Big Bang Theory)માં આવ્યો અને મારા તમામ સ્વપ્ન સાચા પડ્યા છે. આથી, ક્વીન દ્વારા આમંત્રિત કરાવા સાથે એક વર્તુળ પુરું થયું છે.’