લંડનઃ આયર્ન લેડી બેરોનેસ માર્ગારેટ થેચરની અંગત ચીજવસ્તુઓના વેચાણથી કુલ ૪.૫ મિલિયન પાઉન્ડ હાંસલ થયા છે, જે તેના અંદાજથી નવ ગણાથી વધુ રકમ છે. સમગ્ર સંગ્રહ ૫૦૦,૦૦ પાઉન્ડમાં વેચાશે તેવી હરાજીકારોની ધારણા હતી. ક્રિસ્ટીઝ લંડન દ્વારા ૪૦૦થી વધુ આઈટમ્સનું વેચાણ હરાજી થકી કરાયું હતું. પ્રથમ વેચાણના ૧૮૬ લોટની આઈટમ્સના વેચાણથી ૩,૨૮૦,૪૭૫ પાઉન્ડ અને ઓનલાઈન વેચાણ થકી એક મિલિયન પાઉન્ડથી વધુ રકમ મળી હતી. બીજા હિસ્સાના વેચાણના લોટમાં ૮૦૦ પાઉન્ડની મહત્તમ અંદાજિત કિંમત ધરાવતો લેડી થેચરનો મોતીનો નેકલેસ ૬૨,૫૦૦ પાઉન્ડમાં વેચાયો હતો. વડા પ્રધાન તરીકે સરકારી દસ્તાવેજો રાખતા હતા તે રેડ ડિસ્પેચ બોક્સ ૨૪૨,૫૦૦ પાઉન્ડ, પ્રમુખ રોનાલ્ડ રીગન દ્વારા ભેટ અપાયેલા અમેરિકન ઈગલની પ્રતિકૃતિ ૨૬૬,૦૦૦ પાઉન્ડ અને રાફ્લો હેન્ડબેગ ૪૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયાં હતાં. વિશ્વના ૪૧ દેશોમાંથી લોકોએ વસ્ત્રો, જ્વેલરી, પુસ્તકો, પત્રો, કાર્ટન્સ, દસ્તાવેજો અને સંગ્રહને લાયક આઈટમો માટે તત્કાળ વેચાણની હરાજીમાં ભાગ લીધો હતો.
લેડી થેચરના કલેક્શનની બે ડઝનથી વધુ મહત્ત્વની વસ્તુઓને જાહેર ભંડોળ એકત્ર કરવાના અભિયાન થકી બચાવી લેવાઈ છે. તેમાં મહત્ત્વની રાજકીય ક્ષણોએ પહેરેલાં બ્લુ સૂટ સહિતના વસ્ત્રો અને યાદગાર વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ ભાવિ માર્ગારેટ થેચર સેન્ટરમાં પ્રદર્શનાર્થે મૂકાશે. હજારો નાગરિકોએ આ ભંડોળમાં દાન આપ્યું હતું.
પૂર્વ વડા પ્રધાન ‘આયર્ન લેડી’ માર્ગારેટ થેચરના ૬૨ વર્ષીય જોડિયા સંતાનો સર માર્ક અને કેરોલ થેચર વચ્ચે માતાની કેટલીક ચીજવસ્તુઓની હરાજીના મુદ્દે ભારે વિખવાદ થયો છે. કેરોલ થેચરે પૂર્વ વડા પ્રધાનની હેન્ડબેગ્સ, પગરખાં અને કેટલાંક મેમેન્ટો સહિત ૩૫૦થી વધુ આઈટમ ક્રિસ્ટીઝ ખાતે હરાજીમાં મૂકી હતી, જેમાંથી ૫૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ મળવાની ધારણા હતી. બહેનના નિર્ણયથી સર માર્ક થેચર ઘણા નાખુશ છે.