લંડનઃ પૂર્વ વડા પ્રધાન ‘આયર્ન લેડી’ માર્ગારેટ થેચરના ૬૨ વર્ષીય જોડિયા સંતાનો સર માર્ક અને કેરોલ થેચર વચ્ચે માતાની કેટલીક ચીજવસ્તુઓની હરાજીના મુદ્દે ભારે વિખવાદ થયો છે. કેરોલ થેચરે પૂર્વ વડા પ્રધાનની હેન્ડબેગ્સ, પગરખાં અને કેટલાંક મેમેન્ટો સહિત ૩૫૦થી વધુ આઈટમ ક્રિસ્ટીઝ ખાતે હરાજીમાં મૂકી છે, જેમાંથી ૫૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ મળવાની ધારણા છે. બહેનના નિર્ણયથી સર માર્ક થેચર ઘણા નાખુશ છે.
હરાજી વેચાણ આખો મહિનો ચાલુ રહેશે, જેમાં બેરોનેસ થેચરનો નેકલેસ ૧૮૦,૦૦૦ પાઉન્ડમાં વેચાવાની શક્યતા છે. આ ઉપરાંત, તેમના લગ્નના વસ્ત્રો, રોનાલ્ડ રેગનના હાથે લખાયેલી ચીઠ્ઠી, રેડ બોક્સીસ, પ્રસિદ્ધ પાવર સૂટ્સ, જ્વેલરીનો પણ સમાવેશ થાય છે. વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ મ્યુઝિયમે ‘આયર્ન લેડી’ના વોર્ડરોબનું પ્રદર્શન કરવાની તક ફગાવી દીધા પછી આ વસ્તુઓ વેચાણમાં મુકાઈ છે.
કેરોલ થેચર હસ્તકની ચીજવસ્તુઓનું જ વેચાણ થઈ રહ્યું છે અને બધી આવક પણ તેને જ મળશે. બીજી તરફ, માર્ક થેચરે તેમને વારસામાં મળેલી વસ્તુઓ વેચવા સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. વેચાણ હેઠળની વસ્તુઓમાં હજુ જીવંત મિત્રો તરફથી અપાયેલી અંગત ભેટોનો પણ સમાવેશ કરાવા સામે માર્કનો વાંધો છે. આ સાથે સત્તાવાર દસ્તાવેજો કેમ્બ્રિજસ્થિત ચર્ચિલ કોલેજમાં થેચર આર્કાઈવ્ઝમાં જવાં જોઈએ તેમ તે કહે છે.