લંડનઃ વર્ષ ૧૯૭૯થી ૧૯૯૦ દરમિયાન ઇંગ્લેન્ડનાં પ્રાઇમ મિનિસ્ટર રહી ચૂકેલાં અને ‘આર્યન લેડી’ તરીકે ભારે નામના મેળવનાર માર્ગારેટ થેચર વિશે તમને કંઈ આડીઅવળી કલ્પના આવે એ પહેલાં માંડીને વાત કરી દઈએ. વાત એમ છે કે આજથી ૧૫ વર્ષ પહેલાં માર્ગારેટ થેચર અમેરિકાના ઓહાયો થિયેટરમાં એક સ્પીચ આપવા ગયા હતાં. સ્પીચની પહેલાં તેમણે પોતાની હોટેલમાં હોઠ પર લિપસ્ટિક ટચ-અપ કરી અને વધારાની લિપસ્ટિકને એક પેપર-નેપ્કિનને ચુંબન આપીને લૂછી કાઢી હતી. પોતાના હોઠના પર્ફેક્ટ આકારવાળો એ કાગળનો રૂમાલ તેમણે કચરાપેટીમાં ઘા કરી દીધો હતો, પરંતુ આ સમયે ત્યાં હાજર રહેલા એક સ્ટાફ-મેમ્બરે એ પેપર-નેપ્કિન સંભાળીને લઈ લીધો. બસ, હવે એ પેપર-નેપ્કિન તે સ્ટાફ-મેમ્બરને કમાણી કરાવી રહ્યો છે.
થોડા દિવસ પહેલાં જસ્ટ ક્લેક્ટિંગ નામની વેબસાઇટ પર માર્ગારેટ થેચરને લગતી વસ્તુઓની સાથે આ રૂમાલ પણ હરાજીમાં મુકાયો હતો, જે ૧૯૭૦ પાઉન્ડમાં વેચાઈ ગયો.
આ પેપર-નેપ્કિનની સાથે થેચરના હસ્તાક્ષરવાળી શેમ્પેનની બોટલ ૪૪૪૩ પાઉન્ડમાં, તેમની હેન્ડબેગ ૬૩૪૨ પાઉન્ડમાં અને તેમનું એક પપેટ ૯૯૦૦ પાઉન્ડમાં વેચાયા હતાં. જોકે, હરાજીના આયોજકોએ કબૂલેલું કે લિપસ્ટિકના નિશાનવાળા એ રૂમાલ જેવી વસ્તુ તેમણે ક્યારેય નથી જોઈ.