લંડનઃ ભારતીય બેંકોનું ફૂલેકું ફેરવીને લંડન આવેલા વિજય માલ્યાની માલિકીની ફોર્મુલા વન કાર રેસિંગ ટીમના અયોગ્ય વેચાણના કારણે ભારતીય બેંકોને ફરી એકવાર રૂ. ૩૮૦ કરોડનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. આ વેચાણમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીમાં કુલ ૧૩ ભારતીય બેંક સામેલ હતી.
આ રેસિંગ ટીમની વેચાણ પ્રક્રિયામાં બે કંપનીએ બોલી લગાવી હતી, જેમાંથી એક કંપનીના અધિકારીએ આ માહિતી આપી હતી. રશિયામાં ફર્ટિલાઈઝરનું ઉત્પાદન કરતી કંપની ઉરલકેલીએ જણાવ્યું હતું કે, માલ્યાની ફોર્સ ઈન્ડિયા ટીમમાં ઊંચી બોલીને તેને નજરઅંદાજ કરાઈ હતી. જેના કારણે વધુ ભંડોળ ઊભું કરવાની તક હાથમાંથી જતી રહી હતી. આ વેચાણ પ્રક્રિયા યોગ્ય રીતે હાથ ધરાઈ હોત તો ફોર્સ ઈન્ડિયાના શેરધારકોને ઘણી વધારે મૂડી મળવાની શક્યતા હતી.
આ મુદ્દે ઉરલકેલીએ એફઆરપી એડવાઈઝરી સામે લંડન હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. ફોર્સ ઈન્ડિયાની નિલામીની પ્રક્રિયામાં અનેક પૂર્વગ્રહો અને અસમાન વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો આ કંપની પર આરોપ મૂક્યો હતો. બીજી તરફ, નિલામીમાં સામેલ તંત્રે દાવો કર્યો હતો કે લિલામીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા રખાઈ હતી એ વાતમાં કોઈ શંકા નથી. ફોર્સ ઈન્ડિયાની લિલામી પૂર્ણ કર્યા પછી તેના તમામ હક રેસિંગ પોઈન્ટ કન્સોર્શિયમને મળી ગયા છે. આ જૂથના વડા કેનેડિયન બિલ્યોનેર લોરેન્સ સ્ટ્રોલ છે.
ઉરલકેલી કંપની પણ ફોર્સ ઈન્ડિયા ખરીદવા માંગતી હતી કારણ કે, તે એક અગ્રણી ફોર્મુલા વન ટીમ છે. ઉરલકેલીના સિનિયર ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર પોલ જેમ્સ ઓસ્ટલિંગે કહ્યું હતું, ‘અમે ફોર્સ ઈન્ડિયા માટે ઊંચી બોલી લગાવી હતી. તેનો મોટા ભાગનો હિસ્સો શેર હોલ્ડરોને મળવાનો હતો અને ટીમને ફરી મોટી મૂડી. નિલામી કરીને ભંડોળમાં વધારો કરવાની તક કેમ ગુમાવી દીધી તે બાબતે અમને આશ્ચર્ય થાય છે.’