લંડનઃ બ્રિટનની કોર્ટે ભાગેડુ લિકર કિંગ માલ્યાની ૬ મોંઘી કારો વેચવાનો આદેશ આપ્યો છે. કારોને વેચી જે રકમ મળશે તે ભારતીય બેન્કોને અપાશે. કોર્ટે કારોની લઘુત્તમ વેલ્યુ રૂ. ૪ કરોડ આંકી છે. માલ્યા પર ભારતીય બેન્કોના આશરે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા બાકી છે. લોન નહીં ચૂકવાતા તે માર્ચ ૨૦૧૬માં લંડન ભાગી ગયો હતો. ત્યાંની કોર્ટમાં માલ્યા સામે લોન વસૂલી અને પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. દરમિયાન, સ્વિસ યુબીએસ બેન્કે માલ્યા દ્વારા મોર્ગેજ મૂકાયેલા વૈભવી મકાનનો કબજો સોંપાવવા હાઈ કોર્ટમાં અરજી કરી છે.
રિકવરીનો કેસ બેંગ્લુરુથી લંડન શિફ્ટ થયો
માલ્યાએ બેંગ્લુરુ લોન વસૂલાત પ્રાધિકરણના ચુકાદાને યુકેની કોર્ટમાં પડકાર્યો હતો. તેમાં માલ્યાનો પરાજય થયો. પ્રાધિકરણે માલ્યા પર બેન્કોની બાકી લોનની વસૂલાત થવી જોઈએ તેવો ચુકાદો આપ્યો હતો. તે અંગે યુકેની કોર્ટે ભારતીય એજન્સીઓની વિનંતી પછી લંડનમાં રિકવરીનો કેસ શરૂ થયો છે.
કરોડો પાઉન્ડનો બંગલો છોડવો પડશે
સ્વિસ યુબીએસ બેન્કે કિંગફિશરના પૂર્વ માલિક વિજય માલ્યા, તેમની માતા અને પુત્ર લંડનના રિજેન્ટ પાર્ક સામે આવેલું કરોડો પાઉન્ડની કિંમતનું મકાન ખાલી કરીને બેન્કને તેનો કબજો સોંપે તેવી દાદ માગતી અરજી બ્રિટનની હાઈ કોર્ટમાં કરી છે. રોઝ કેપિટલ વેન્ચર લિમિટેડે માર્ચ ૨૦૧૨માં સ્વિસ બેન્ક યુબીએસ પાસેથી ૨૦૪ મિલિયન પાઉન્ડનું ધિરાણ મેળવવા મકાન મોર્ગેજ મૂક્યું હતું. મોર્ગેજની મુદત પૂરી થવા છતાં માલ્યાએ દેવાંની ચુકવણી કરી નથી. રોઝ કેપિટલ વેન્ચર લિમિટેડ, વિજય માલ્યા, માતા લલિતા માલ્યા અને પુત્ર સિદ્ધાર્થ માલ્યા સામે હાઈકોર્ટની બિઝનેસ અને પ્રોપર્ટી કોર્ટમાં દાખલ અરજીની સુનાવણી ૨૪ ઓક્ટોબરે હાથ ધરાશે.