જેમની સાથે ઘર જેવા ગાઢ સંબંધ હતા અને આ દેશમાં સુખ દુ:ખના સાથી હતા તેવા ગાઢ મિત્રનો જ દ્રોહ કરીને તેમની ફુલ જેવી ૧૨ વર્ષની માસુમ દિકરીનું અવારનવાર શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજારનાર વાસનાલોલુપ બ્રિજેશ બારોટને ગત બુધવાર તા. ૧૪મી જૂનના રોજ સધર્ક ક્રાઉન કોર્ટ દ્વારા ૧૫ વર્ષની આકરી સજા ફટાકારવામાં આવી હતી. હેરોના ધ બ્રોડવે ખાતે રહેતા ૩૭ વર્ષના બ્રિજેશ સામે આરોપ હતો કે તેણે પોતાના મિત્રની દિકરી જ્યારે ૧૨ વર્ષની હતી ત્યારે ડિસેમ્બર ૨૦૧૪થી ફેબ્રુઆરી ૨૦૧૫ દરમિયાન પોતાના હેરો ખાતે આવેલા ઘરે શારીરિક શોષણ કર્યું હતું અને તેણીને પિંખી નાંખી હતી.
મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા મુજબ માસુમ બાળા અને તેના પરિવારજનોએ બ્રિજેશ બારોટના કરતૂતો અંગે ફરિયાદ કરતા પોલીસે બ્રિજેશ બારોટની જુલાઇ ૨૦૧૫માં ધરપકડ કરી હતી. પોલીસે તપાસના ભાગરૂપે બ્રિજેશના મોબાઇલ ફોનને કબ્જે કરી તપાસ કરતા ફોનમાંથી ખૂબ જ ગંદા કહી શકાય તેવી માસુમ બાળકોની અશ્લિલ તસવીરો મળી હતી અને પ્રાણીઅોના સંવનન કરતા અશ્લિલ વિડીયો પોલીસને મળ્યા હતા. આ પ્રતિબંધીત પોર્નોગ્રાફીક મટીરીયલ્સ માટે ગત જાન્યુઆરી ૨૦૧૭માં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે તા. ૮મી મે, ૨૦૧૭ના રોજ બાળકોની અશ્લિલ કહી શકાય તેવી તસવીરો મોબાઇલ ફોનમાં રાખવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
સેક્સ્યુઅલ અોફેન્સીસ, એક્સપ્લોઇટેશન અને ચાઇલ્ડ એબ્યુઝ કમાન્ડના ડીટેક્ટીવ કોન્સ્ટેબલ જેની સ્ટિવન્સને જણાવ્યું હતું કે "બ્રિજેશ બારોટે માસુમ બાળકીનું સતત શોષણ કરી શકાય તે માટે જેમ બને તેમ વધુ સમય વિતાવી શકાય તે માટે ચાલાકી વાપરી હતી. હું આ વિષે વધારે વિગતે વાત ન કરી શકું પરંતુ બાળકીએ અને તેના પરિવારજનોએ ખૂબજ હિંમત દાખવીને આ કેસને પૂરવાર કરવામાં મદદ કરી હતી. જો કોઇ વ્યક્તિ આવી રીત થતા જાતીય શોષણ અને બળાત્કારનો ભોગ બની હોય તો તેમને પોલીસનો ફોન નં. 101 ઉપર સંપર્ક કરવા વિનંતી છે."
મળતી માહિતી મુજબ બ્રિજેશ બારોટ બ્રિજેશ આશરે ચારેક વર્ષ પૂર્વે વિઝિટર વિઝા પર યુકે આવ્યો હતો અને તે પછી તેની પત્ની અને પુત્ર યુકે આવ્યા હતા. બ્રિજેશ બારોટના પરિવારજનો ગાંધીનગર જીલ્લાના કલોલ ખાતે રહે છે. અગાઉ તેના પિતાની કલોલમાં સ્ટેશન રોડ પર દુકાન હતી. વિઝા પૂરા થયા બાદ બ્રિજેશ યુકેમાં રોકાઇ ગયો હતો અને નોકરી કરી ગુજરાન ચલાવતો હતો. તેની પત્ની અને પાંચેક વર્ષનો પુત્ર હાલ ભારતમાં હોવાની માહિતી મળી છે.