લંડનઃ યુકે કેબિનેટમાં પ્રથમ મુસ્લિમ મહિલા મિનિસ્ટર બેરોનેસ સઈદા વારસીએ ઈસ્લામિક પ્રાર્થનાસ્થળો-મસ્જિદો માટે મિનારત વિનાની ડિઝાઈનો કરવા અનુરોધ કર્યો છે, જેથી તે ઈંગ્લિશ ધર્મસ્થાન જેવી લાગી શકે. કેટલાક સ્થળોએ ગામડાંના ચર્ચ જેવી પણ દેખાતી હોય તેવી મસ્જિદોનું નિર્માણ કરી શકાય. બેરોનેસ ધાર્મિક સહિષ્ણુતાને ઉત્તેજન આપવા પોતાના નામના નવા ફાઉન્ડેશનની સ્થાપના કરી રહ્યાં છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ સહાધ્યક્ષ લેડી વારસીએ આર્કિટેક્ટ્સ અને ડિઝાઈનર્સને અપીલમાં કહ્યું હતું કે બ્રિટિશ બ્રાન્ડના ઈસ્લામની મૌલિકતા વિકસાવવા માટે આમ કરી શકાય. મસ્જિદમાં નમાજ માટે જાહેરાત કરવા પરંપરાગત વિશિષ્ટ મિનારા હોય છે. તેઓ ૨૧મી સદીમાં પ્રાર્થનાસ્થળો માટે રાષ્ટ્રીય ચર્ચા શરૂ કરવાં ઈચ્છે છે તેમજ મસ્જિદના નવી પ્લાનિંગ ડિઝાઈન નવા વર્ષમાં જારી કરાવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે ઈસ્લામ ધર્મ નદી જેવો છે, જે પટના વાતાવરણનો રંગ ધારણ કરી લે છે. વિશ્વમાં મસ્જિદો વિવિધ આકારની બને છે. કેટલીક મસ્જિદમાં મિનારા નથી હોતાં.