લંડનઃ લોર્ડ ગ્રીન ઓફ હર્સ્ટપિઅરપોઈન્ટની ૨૦૧૧માં ટ્રેડ મિનિસ્ટર તરીકેની નિયુક્તિ મામલે વડા પ્રધાન ડેવિડ કેમરન બચાવની સ્થિતિમાં મૂકાઈ ગયા છે. HSBCના પૂર્વ વડા લોર્ડ ગ્રીન જ સ્વિસ પ્રાઈબેટ બેન્કિંગ બિઝનેસના ડિરેક્ટર હોવાનું બહાર આવ્યું છે.
સરકારી સૂત્રોએ દાવો કર્યો હતો કે લોર્ડ ગ્રીનને બેન્કની જીનિવા બ્રાન્ચ દ્વારા ગેરરીતિની જાણ ન હતી. જોકે, બેન્કના જ જાહેર કરાયેલા દસ્તાવેજો અનુસાર ટોરી ઉમરાવ ૨૦૦૦થી ૨૦૧૦ સુધી એક દાયકામાં HSBCના સ્વિસ બેન્કિંગ યુનિટના બોર્ડ પર હતા. જીનિવા બ્રાન્ચે ક્લાયન્ટ્સના ‘બ્લેક’ એકાઉન્ટ્સ ખોલી આપી તેમને કરચોરીમાં મદદ કરી મોટા પાયે નાણાં ઉપાડી લેવાની છૂટ કરી આપી હતી. બ્રિટન સિવાયના દેશોના રેગ્યુલેટર્સે બેન્ક કૌભાંડમાં તપાસ આરંભી છે અને કેટલાંકે ક્રિમિનલ આરોપો લગાવવાનો સંકેત પણ આપ્યો છે.