લંડનઃ મિરર ગ્રૂપ ન્યૂઝપેપર્સ (MGN) સામે ફોન હેકિંગના મુદ્દે ૧૦૦થી વધુ અસરગ્રસ્તો દાવો કરે તેવી શક્યતાથી તેને ભારે વળતર ચુકવવું પડે તેમ જણાય છે. એક્ટ્રેસ અને ફેશન ડિઝાઈનર સેડી ફ્રોસ્ટને £૨૬૦,૨૫૦, જ્યારે ઈંગ્લેન્ડના પૂર્વ ફૂટબોલર પોલ ગેસ્કોઈનને £૧૮૮,૨૫૦નું ભારે વળતર આપવા મિરર જૂથને આદેશ કરાયો છે. જસ્ટિસ માને સ્વીકાર્યું હતું કે વળતરની રકમ નોંધપાત્ર છે પરંતુ, પ્રાઈવસી પરનું આક્રમણ ગંભીર અને દીર્ઘકાલીન છે. હેકિંગનું પ્રમાણ પણ મોટા પાયાનું હતું.
માર્ચમાં ત્રણ સપ્તાહની સુનાવણીના પગલે લંડનની હાઈ કોર્ટ દ્વારા આઠ વ્યક્તિ માટે વળતરના એવોર્ડ જાહેર કરાયા છે. ટીવી એક્ઝીક્યુટિવ એલાન યોન્ટોબ (£૮૫,૦૦૦), એક્ટ્રેસીસ શોભના ગુલાટી (£૧૧૭,૫૦૦), લ્યુસી ટેગાર્ટ (£૧૫૭,૨૫૦), અભિનેતા અને કોમેડિયન શેન રિચી (£૧૫૫,૦૦૦), ટીવી પ્રોડ્યુસર રોબર્ટ એશવર્થ (£૨૦૧,૨૫૦), ફ્લાઈટ એટેન્ડન્ટ લોરેન એલકોર્ન (£૭૨,૫૦૦)ને આપવા જસ્ટિસ માને આદેશ કર્યો હતો.
MGN ની માલિકી ધરાવતા ટ્રિનિટી મિરરે ક્લેઈમ્સ માટે ફાળવેલી £૧૨ મિલિયનની રકમ વધારી £૨૮ મિલિયન કરી દીધી હતી અને તે અપીલ કરવા વિચારે છે. જજ સમક્ષ રજૂઆત થઈ છે કે ૭૦ જેટલા ક્લેઈમ્સ પડતર છે અને અન્ય ૧૦માં સમાધાન થયું છે.