લંડનઃ લેબર નેતા એડ મિલિબેન્ડ અને તેમના પત્ની જસ્ટિને ૨૬ એપ્રિલે લંડનના વિલ્સડેન ગ્રીનમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભક્તો સાથે મુલાકાત કરી ઉજવણી સમારંભમાં હાજરી આપી હતી. પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં સજ્જ જસ્ટિન અને એડનું હારથી સ્વાગત કરાયા પછી વરિષ્ઠ સંત સ્વામી શાંતિ પ્રિય દાસે એડને આશીર્વાદ સાથે સાત મેની ચૂંટણીમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી. મંદિરના સ્વયંસેવક બિપિન ગાંધીએ મિલિબેન્ડને કહ્યું હતું કે, હવે તમે નિશ્ચિતપણે વિજયી બનશો કારણકે તમને ઉચ્ચ આશીર્વાદ પ્રાપ્ત થયાં છે. આ મંદિર લેબર પાર્ટીના ઉમેદવારોને મતપેટીની સફળતા અપાવવાનો ઈતિહાસ ધરાવે છે, જેમાં લોર્ડ પોલ બોટેંગ, પૂર્વ મિનિસ્ટર ટોની મેકનલ્ટી અને હોમ એફેર્સ કમિટીના પૂર્વ અધ્યક્ષ કિથ વાઝનો સમાવેશ થાય છે.
મિલિબેન્ડે ભક્તોને કહ્યું હતું કે તેઓ સમગ્ર બ્રિટનની હિન્દુ કોમ્યુનિટી સાથેના સંબંધોનું મૂલ્ય જાળવશે. દરેક કોમ્યુનિટીની પ્રગતિ આડેના અવરોધો દૂર કરવાની પ્રતિજ્ઞા લેવા સાથે તેમણે કહ્યું હતું કે તેઓ માત્ર કાયદાકીય સમાનતા નહિ, પરંતુ વાસ્તવિક સમાનતા માટે લડશે. મારા અને લેબર પાર્ટી માટે આપણે એક રાષ્ટ્ર તરીકે ઉપસી આવીએ નહિ, સંખ્યાની દૃષ્ટિએ નહિ, પરંતુ વાસ્તવિક પ્રતિનિધિ તરીકે સેવા ન કરીએ ત્યાં સુધી આ યુદ્ધ હજુ જીતાયું નથી. તેમણે કહ્યું હતું કે લેબર પાર્ટીની સરકાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત આંતરરાષ્ટ્રીય મિત્રો સાથે કામ કરવા ઉત્સુક છે.