ગુજરાતમાં હિંદુ પરિવારમાં જન્મેલી અને લેસ્ટરમાં ઉછરેલી ૨૪ વર્ષીય સીધીસાદી યુવતી આરતી રાણા મિસ ઈંગ્લેન્ડ બ્યૂટી કોન્ટેસ્ટની સેમિ-ફાઈનલમાં પહોંચી છે. બાળપણથી જ આરતીને એક્ટિંગનો ખૂબ શોખ હતો. તેણે ભારતીય ટેલિવિઝન એક્ટ્રેસ બનીને શોખને જ કારકીર્દિ બનાવવાનો રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો.
ડી મોન્ટફર્ટ યુનિવર્સિટીમાં એકાઉન્ટિંગ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરનાર આરતી તાજેતરમાં કલર્સ ટીવી પર પ્રસારિત થયેલી સિરિયલ ‘ચક્રવર્તી સમ્રાટ અશોક’માં બેલાના પાત્રમાં જોવા મળી હતી. સિરિયલનું કામ પૂરું કર્યા પછી તે પરિવાર સાથે સમય વીતાવવા યુકે પાછી ફરી હતી અને મિસ ઈંગ્લેન્ડ સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય લીધો હતો.
આરતીને ભારતમાં પોતાની સ્કૂલ શરૂ કરવા સહિતની ઘણી મહત્ત્વાકાંક્ષાઓ છે. તેના પરોપકારના કાર્યો વિશે આરતીએ જણાવ્યું હતું, ‘મારા ઉછેર દરમિયાન મેં વોલન્ટિયરીંગ શરૂ કર્યું. હું લોકોને કપડાં અને ભોજન પૂરું પાડવા સહિતની ચેરિટી કરું છું. ભવિષ્યમાં તક મળે તો ડાયાબિટિસ અને હૃદયરોગથી પીડાતા આપણા સમાજના લોકોને મદદ કરવાનું મને ગમશે.’
આરતી માને છે કે લોકો તેમના વિશે ગમે તે વિચારે પરંતુ, યુવતીઓએ પોતાનું સ્વપ્ન પૂરું કરવા માટે આત્મવિશ્વાસ કેળવીને પ્રયત્નશીલ રહેવું જોઈએ. ‘જે યુવતીઓને તેમના શરીર સૌંદર્ય વિશે ઓછો વિશ્વાસ છે કે પોતાને ઓછી રૂપાળી માને છે તેમનામાં વિશ્વાસ ઉભો કરવા માટે મેં મિસ ઈંગ્લેન્ડ સ્પર્ધામાં ભાગ લીધો છે. યુવતીઓએ કશુંક નવું કરવું જોઈએ. આપણે સૌ સરખા નથી તે બરાબર છે. વધુ યુવતીઓ પોતાની જાત માટે વિશ્વાસ કેળવે તેવું હું ઈચ્છું છું.'
આરતીએ ઉમેર્યું હતું, ‘તમામ યુવતીઓને પ્રોત્સાહન મળે અને તેમનો વિશ્વાસ વધે તે માટે મિસ ઈંગલેન્ડ યોગ્ય પ્લેટફોર્મ છે. આ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવા માટે ચોક્કસ ઉંચાઈ કે સાઈઝ હોવી જરૂરી નથી.’