લંડનઃ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૧૭ ઓક્ટોબરે આયોજિત એશિયન ક્રિકેટ એવોર્ડ્સ સમારોહમાં મિહિર બોઝને લાઈફટાઈમ એચિવમેન્ટ અવોર્ડથી સન્માનિત કરાયા હતા. કોલકાતામાં ૧૯૪૭માં જન્મેલા મિહિર બોઝ લેખક અને બ્રોડકાસ્ટર છે અને ક્રિકેટ જર્નાલિઝમ ક્ષેત્રમાં અનન્ય પ્રદાન બદલ તેમનું સન્માન કરાયું હતું.
મિહિર બોઝે ‘ધ સ્પિરિટ ઓફ ધ ગેઈમઃ હાઉ સ્પોર્ટ મેઈડ ધ મોર્ડર્ન વર્લ્ડ’ અને ‘અ હિસ્ટરી ઓફ ઈન્ડિયન ક્રિકેટ’ તેમ જ બોલીવુડના ઈતિહાસ સહિત ૨૬ પ્રસિદ્ધ પુસ્તકો લખ્યા છે. તેઓ પ્રથમ બીબીસી સ્પોર્ટ્સ એડિટર બનવાની સિધ્ધિ ઉપરાંત, સન્ડે ટાઈમ્સ, ડેઈલી ટેલિગ્રાફ, ફાઈનાન્સિયલ ટાઈમ્સ અને લંડન ઈવનિંગ સ્ટાન્ડર્ડ સહિત અગ્રણી બ્રિટિશ વર્તમાનપત્રો અને બિઝનેસ પબ્લિકેશન્સમાં બિઝનેસ અને સ્પોર્ટ્સ વિશે લખવાની સિદ્ધિ ધરાવે છે.