લંડનઃ વિવિધ પશ્ચાદભૂ સાથેના ચાર એપ્રેન્ટિસને લંડન ઈવનિંગ સ્ટાન્ડર્ડ અને ધ ઈન્ડિપેન્ડન્ટ દ્વારા નવી મીડિયા એપ્રેન્ટિસ સ્કીમમાં નિમણૂક અપાઈ હતી. ગ્રેટર લંડનના લોર્ડ લેફટનન્ટ કેન ઓલિસાએ યોજના સાથે સંકળાયેલા સ્પોન્સર્સને મીડિયામાં સૌપ્રથમ ઈનિશિયેટિવ બદલ અભિનંદન પાઠવી યોજનાને વ્યાપક બનાવવા જણાવ્યું હતું.
આ યોજના ગોલ્ડમેન સેક્સ, ધ પીબોડી ટ્રસ્ટ, ધ સ્ટેશનર્સ ફાઉન્ડેશન અને NCTJ ડાઈવર્સિટી ફંડના સહયોગથી આરંભ કરાઈ છે. યુનિવર્સિટી નહિ ગયેલા અને ૧૬થી વધુ વયના કોઈ પણ વ્યક્તિ માટે ખુલ્લી મૂકાયેલી એડિટોરિયલ એપ્રેન્ટિસશિપ માટે ૨૦૦થી વધુ લોકોએ અરજી કરી હતી. ૩૦ જાન્યુઆરી સોમવારથી UCFB વેમ્બલી ખાતે ૨૦ સપ્તાહના NCTJ કોર્સ સાથે બે વર્ષની તાલીમનો આરંભ કરનારા એપ્રેન્ટિસો ઈવનિંગ સ્ટાન્ડર્ડ, ધ ઈન્ડિપેન્ડન્ટ અને લંડન લાઈવ ટેલિવિઝન ખાતે ઓન-જોબ ટ્રેનિંગ મેળવશે.
લંડનના મેયર સાદિક ખાને ઈવનિંગ સ્ટાન્ડર્ડ સ્કીમને ઉમળકાભેર આવકારતા જણાવ્યું હતું કે,‘ઈન્ડસ્ટ્રીમાં જર્નાલિઝમ ક્ષેત્રમાં ભારે અસમાનતા છે અને વંશીય લઘુમતી જૂથોને ઓછું પ્રતિનિધત્વ અપાયું છે. આપણી જાહેર સેવાઓ જે કોમ્યુનિટીઝની સેવા કરતી હોય તેનું વધુ પ્રતિનિધત્વ કરે તે આવશ્યક છે.’