લંડનઃ યુકેના મુસ્લિમ પરિવારને લોસ એન્જલસ જતી ફ્લાઈટમાં બેસવા ન દેવાયા તે મુદ્દો યુએસ સમક્ષ ઉઠાવવા લેબર પાર્ટીના સાંસદ સ્ટેલા ક્રીસીએ વડા પ્રધાન ડેવિડ કેમરનને જણાવ્યું છે. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે કેમરન ઉભા કરાયેલા મુદ્દાનો પ્રત્યાઘાત આપશે. મોહમ્મદ તારિક મહમૂદે તો તેઓ હજુ યુએસની મુલાકાત લેવાની ઈચ્છા દર્શાવી છે. મહમૂદના ૧૧ સભ્યના પરિવારે રજાઓ ડિઝનીલેન્ડમાં ગાળવાની યોજના ઘડી હતી, પરંતુ ૧૫ ડિસેમ્બરે ગેટવિક એરપોર્ટ પર તેમને વિમાનમાં જતા અટકાવાયા હતા.
યુએસ અધિકારીઓએ આ માટે કોઈ કારણ પણ આપ્યું ન હતું. જોકે, ધાર્મિક માન્યતાઓના કારણસર તેમને અટકાવાયા ન હોવાની સ્પષ્ટતા તેમણે કરી હતી. સાંસદ ક્રીસી અને હોમ એફેર્સ સીલેક્ટ કમિટીના ચેરમેન કિથ વાઝે જણાવ્યું હતું કે બ્રિટિશ નાગરિકોને યુએસમાં પ્રવેશના ઈનકારની ઘટનાઓ વધી રહી છે.