લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સની કોન્ફરન્સમાં લોર્ડ નાઝિર અહેમદે સામાન્ય ચૂંટણીમાં બ્રિટિશ પ્રતિનિધિઓ માટે ભલામણો સમાન કાર્યકારી મુસ્લિમ મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. કોમ્યુનિટી સાથે રાષ્ટ્રવ્યાપી પરામર્શ પછી ૨૩ ફેબ્રુઆરીએ આયોજિત બેઠકમાં ૪૦૦થી વધુ શિયા-અને સુન્ની મસ્જિદોના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. વધુ પરામર્શો પછી આખરી ઘોષણાપત્ર માર્ચ ૨૦૧૫ના અંત સુધીમાં જાહેર કરાશે.
ધ ઈન્સ્ટિટ્યુટ ફોર મુસ્લિમ કોમ્યુનિટી ડેવલપમેન્ટ આ મેનિફેસ્ટો માટેનું પ્રેરક બળ છે. મેનિફેસ્ટોના એક ઘડવૈયા અને આર્ટ્સ વેર્સાના ડિરેક્ટર મોહસિન અબ્બાસે સમાજશાસ્ત્રીઓ, શિક્ષણવિદો, કોમ્યુનિટી પ્રોફેશનલ્સ અને ધાર્મિક નેતાઓના જૂથોનું વડપણ સંભાળ્યું હતું.
લોર્ડ અહેમદે જણાવ્યું હતું કે બ્રિટિશ મુસ્લિમો માટે આ ઐતિહાસિક ઘટના છે કે પ્રથમ વખત લાંબા ગાળાની યોજના અને મેનિફેસ્ટો ઘડાયાં છે. યુકેમાં મુસ્લિમો સામે અસમાનતા અને અન્યાય વધી રહ્યાં છે ત્યારે આ ઘોષણાપત્ર મુસ્લિમ નેતાઓ માટે જાગૃતિસૂચક છે. પાર્લામેન્ટેરિયનો પાસેથી મુસ્લિમો શું ઈચ્છે છે તેનો સ્પષ્ટ ખ્યાલ આ કાર્યકારી મેનિફેસ્ટો આપે છે. તેમણે જણાવ્યું હતું કે બ્રિટિશ મુસ્લિમો માટે ‘અનૈતિક વિદેશ નીતિઓ’ અને ‘ઈસ્લામોફોબિયા’ ઘણાં મહત્ત્વપૂર્ણ મુદ્દા છે કારણ કે તેઓ આના શિકાર બનવાની બમણી શક્યતા છે.
સેન્સસ ૨૦૧૧ના આધારે યુકેમાં સૌથી ઝડપે વૃદ્ધિ પામતી મુસ્લિમોની વસ્તી અંદાજે ૨,૭૮૬, ૬૩૫ અથવા તો કુલ વસ્તીના આશરે ચાર ટકા જેટલી છે. લોર્ડ અબ્બાસે કેટલીક આંકડાકીય માહિતીને ચિંતાજનક ગણાવી હતી. મુસ્લિમ વસ્તીમાં વધારો રાષ્ટ્રીય ઓળખને નબળી પાડશે તેવી ચિંતા ૬૩ ટકા બ્રિટિશરો ધરાવે છે. દેશમાં કેદીઓના ૧૪ ટકા મુસ્લિમ છે અને ૧૫ વર્ષમાં મુસ્લિમ કેદીઓની સંખ્યા ૨૦૦ ટકા વધી છે. ૫૦ ટકા મુસ્લિમ ગરીબીમાં જીવે છે, જ્યારે ૪૬ ટકા સૌથી વંચિત એવાં ૧૦ ટકા વોર્ડ્સમાં અને ૨૮ ટકા સોશિયલ હાઉસિંગમાં વસે છે.