લંડનઃ સામાન્યપણે મુસ્લિમો ડોક્ટર, વકીલ અથવા અન્ય વ્યવસાયોમાં ઉચ્ચ સ્થાને જણાતાં નથી. આના માટે તેમનો સાંસ્કૃતિક અભિગમ અવરોધરૂપ હોવાનું કહેવાય છે. સામાન્ય વસ્તીમાં ત્રણમાંથી એક વ્યક્તિ ઉચ્ચ હોદ્દાઓ ધરાવતી હોય તેની સરખામણીએ છમાંથી એક કરતા પણ ઓછાં મુસ્લિમ આવા ઉચ્ચ વ્યવસાયોમાં ઉચ્ચ સ્થાને જોવાં મળે છે. તેઓ કોઈ ધાર્મિક જૂથોમાં પણ પ્રોફેશનલ અથવા મેનેજરિયલ હોદ્દાઓ પર ઓછાં જોવા મળે છે.
ડેમોસ થિન્ક ટેન્ક દ્વારા કરાયેલાં અભ્યાસના તારણો અનુસાર હિન્દુ અને યહુદી જેવાં ધાર્મિક જૂથોના લોકો આગળ વધી રહ્યાં છે ત્યારે મુસ્લિમોને પાછા રાખવામાં સાંસ્કૃતિક પરિબળો વધુ જવાબદાર બની રહે છે. તેમાં લિંગભેદની સમસ્યા પણ મુખ્ય છે. બાળકો અને ઘરની સંબાળ રાખવા માટે મુસ્લિમ મહિલાઓ કામકાજ છોડે તેવી શક્યતા વધુ રહે છે. મુસ્લિમ સ્ત્રીઓમાં અડધોઅડધ આર્થિક રીતે નિષ્ક્રિય હોય છે અને તેઓ ગૃહિણી બની રહે છે. ૨૦-૩૦ વયજૂથમાં કામકાજ છોડવાના કારણે મુસ્લિમોમાં વ્યવસાયોમાં લિંગભેદની ખાઈ વધુ પહોળી થતી જાય છે, જે સામાન્ય વસ્તી માટે ચાર પોઈન્ટ અને મુસ્લિમો માટે ૨૦ પોઈન્ટની રહે છે.
ડેમોસ દ્વારા તારવેલા સાંસ્કૃતિક પૂર્વગ્રહમાં ઘરથી દૂર પ્રવાસ કરવાની બાબત મુખ્ય છે. એક અંદાજ અનુસાર ૫૦ ટકા લંડનવાસીઓ શાળા છોડી દૂર અભ્યાસ કરવા જાય છે તેની સરખામણીએ લંડનમાં રહેતા ૮૦ ટકા મુસ્લિમો ઉચ્ચ શિક્ષણ માટે સ્થાનિક યુનિવર્સિટી જ પસંદ કરે છે.
મોટા પ્રમાણમાં મુસ્લિમો GCSE પસાર કર્યા પછી શાળામાં અભ્યાસ કરતા હોવાં છતાં, અન્ય વંશીય જૂથોની સરખામણીએ તેઓનું એ-લેવલમાં પરફોર્મન્સ નબળું રહે છે. આના પરિણામે, વ્હાઈટ અરજદારોની સરખામણીએ રસેલ ગ્રૂપ યુનિવર્સિટીઓમાં બ્રિટિશ પાકિસ્તાની અને બાંગલાદેશી અરજદારોની અડધી સંખ્યાને જ પ્રવેશ મળે છે.