લંડનઃ મૂળ લુટનની અને હાલ લીડ્ઝની ૩૦ વર્ષીય નિવાસી નાદિયા જમીર હુસૈન બીબીસીના ‘ગ્રેટ બ્રિટિશ બેક ઓફ’ ટેલિવિઝન કૂકરી શોની વિજેતા બની ગઈ છે. તેણે શોની ફાઈનલમાં બ્રિટનના રાષ્ટ્રધ્વજ યુનિયન જેકના ભૂરા, લાલ અને શ્વેત રંગોથી સુશોભિત કેક તૈયાર કરી હતી. આ વર્ષના ત્રણ ફાઈનાલિસ્ટોમાં નાદિયા ઉપરાંત, તમાલ અને ઈયાનનો સમાવેશ થયો હતો. તમાલની ચીકણી ટોફી કેક અને ઈયાનની વિશાળ કેરટ કેકની સામે નાદિયાની વેડિંગ કેક બાજી મારી ગઈ હતી. નાદિયાએ ૧૦ સપ્તાહના આ શોમાં ત્રણ વખત ‘સ્ટાર બેકર’નું બિરૂદ હાંસલ કર્યું હતું. તેણે ફ્લોટિંગ સોડા કેન અને અને ભવ્ય ચોકલેટ પીકોક કેક બનાવીને લોકોને ખુશ કરી દીધાં હતાં.
નાદિયા અનેક વર્ષો ઘરમાં રહેલી માતાની ભૂમિકા ભજવ્યાં પછી જીવનમાં આગળ વધવા તૈયાર છે. શોના જજ મેરી બેરી સહિત સમગ્ર દેશના લાખો દર્શકોએ બેકિંગમાં અવનવા અખતરાઓ કરનારી બાંગલાદેશી મૂળની નાદિયાને ઉમળકાપૂર્વક વધાવી લીધી હતી. નાદિયા તેના ટેકનિકલ મેનેજર પતિ અબ્દાલ હુસૈન અને ત્રણ બાળકો સાથે લીડ્ઝમાં રહે છે. નાદિયાના પતિ પણ તેની પ્રસિદ્ધિથી ઘણા જ ખુશ છે. નાદિયાને રસોઈઘરમાં રહેવું અને બેકિંગ સાથે સંકળાયેલા તમામ કામ કરવાં ગમે છે. એક એપિસોડમાં તનાવગ્રસ્ત નાદિયાએ કહ્યું હતું કે વધુ એક ચોકલેટ સૂફે બનાવવાનો પ્રયાસ કરવા કરતા તે બાળકને જન્મ આપવાનું વધુ પસંદ કરશે. આ રીતે કેક બનાવવી તેને ઘણી અઘરી લાગી હતી, છતાં તે હાર માનશે નહિ.
સેમી ફાઈનલમાં ૧૦ મિલિયનથી વધુ લોકોએ શો નિહાળ્યો હતો. ચિંતાતુર નાદિયાએ કહ્યું હતું કે હેડસ્કાર્ફ સાથેની મુસ્લિમ મહિલા હોવા સાથે હું સારું બેકિંગ કરી શકીશ કે નહિ તે વિશે લોકો કેવો પ્રતિભાવ આપશે તેની મને ચિંતા હતી.