લંડનઃ જર્મનીની રાજધાની બર્લિનથી મડદાંઓનો શો હવે લંડન પહોંચ્યો છે. માણસ હોય કે પ્રાણી, તેની આંતરિક શરીરરચના કોઈને પણ આશ્ચર્યચકિત કરી દે તેવી હોય છે. માનવશરીરના ઘણા રહસ્યો હજુ પણ અગોચર રહ્યા છે. આ શરીરની આંતરિક રચનાને સમજવા માટે લંડનમાં યોજાયેલું ‘બોડી વર્લ્ડ મ્યુઝિયમ’ કોઈને પણ ઉપયોગી થઈ શકે તેવું છે. જેમાં ફક્ત માનવના જ નહીં વિવિધ પ્રાણીઓના પ્લાસ્ટીસાઈઝ્ડ બોડી પ્રદર્શિત કરાયા છે.
બ્રિટનનું આ પ્રથમ બોડી મ્યુઝિયમ લંડન પેવેલિયનમાં સાકાર થયું છે. સાત માળનું મ્યુઝિયમ ૨૮ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, તેમાં વિવિધ મુદ્રામાં માનવ મૃતદેહોને સંરક્ષિત રાખવામાં આવ્યા છે. દાખલા તરીકે કલબમાં પત્તા રમતાં, ટેનિસ રમતાં અને ઘોડેસવારી કરતાં મૃતદેહો અહીં રખાયા છે. આ મૃતદેહોને પ્લાસ્ટિનેશન ટેકનિકથી પ્રિઝર્વ કરવામાં આવ્યા છે. મ્યુઝિયમના ફાઉન્ડર અને વિજ્ઞાની ગૂન્તર ફોન હાન્જેસનું કહેવું છે કે આ મ્યુઝિયમની મુલાકાત લઇને લોકોને ઘણું શીખવાનું મળશે. તેમને જાણવા મળશે કે તમને તંદુરસ્ત અને સુરક્ષિત રાખવા તમારું શરીર કેટલી મહેનત કરે છે. આપણે દારૂ પીએ છીએ, સ્મોકિંગ કરીએ છીએ, પ્રદૂષિત શહેરોમાં રહીએ છીએ. આ માહોલમાં તમારું શરીર આ બધા દુષ્પ્રભાવો સાથે કેવી રીતે લડે છે તે જાણવા મળશે. મ્યુઝિયમમાં દાનમાં મળેલ ડેડ બોડી પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. શોખીન લોકો તેમના શરીરને જીવતેજીવ જ મ્યુઝિયમ માટે રજિસ્ટર કરાવી
જાય છે.
• ગૂન્તર ફોન હાન્જેસે સૌપ્રથમ ૧૯૧૫માં બર્લિનમાં આ મ્યુઝિયમ ખોલ્યું હતું. જોકે લોકો મૃતદેહોના આ પ્રદર્શનને અનૈતિક ગણાવીને કોર્ટમાં પણ ગયા હતા. છેવટે ગૂન્તરને કોર્ટમાંથી મંજૂરી મળી ગઈ.
• ગૂન્તરને પ્લાસ્ટિનેશનના જનક પણ માનવામાં આવે છે. તેઓ ‘ડોક્ટર ડેથ’ના નામે પણ
જાણીતા છે.
• ગૂન્તર ફોન હાન્જેસનું બોડી મ્યુઝિયમ
વિશ્વના સૌથી સફળ ટ્રાવેલિંગ એક્ઝિબિશનમાંનું એક છે. ૧૯૯૫થી આજ સુધીમાં ૧૩૦
શહેરોના ૪.૭ કરોડ લોકો આ મ્યુઝિયમ નિહાળી ચૂક્યા છે.