મૃત્યુને વરેલા પુત્ર આરીના અંગોનું દાન કરનાર જય - સીનાને સો સો સલામ...

£૩૩,૦૦૦ એકત્ર કર્યા: આરીની યાદ તાજી રાખવા પાર્ટી કરી

- કમલ રાવ Wednesday 21st December 2016 10:53 EST
 
 

આપણા શાસ્ત્રો અને ધર્મમાં જણાવ્યું છે કે આપણો દેહ નશ્વર છે અને આત્મા અમર છે, ત્યારે આપણો આ નશ્વર દેહ કે તેના અંગો આપણા મૃત્યુ બાદ જો બીજાના કામમાં આવતા હોય તો તેમાં ખોટું શું છે? પોતાના હિન્દુ ધર્મ અને આસ્થા તેમજ ખરેખર તો સાચા માનવ ધર્મનું પાલન કરીને ક્રોયડનના જય પટેલ અને તેમના પત્ની સીના પટેલ અકસ્માતે મૃત્યુ પામેલા માત્ર સાડા ત્રણ વર્ષના દિકરા આરીના વિવિધ અંગોનું દાન કરીને ૭ બાળકો અને તેમના પરિવારજનોના જીવનમાં ઉમંગ અને ઉલ્લાસ લાવ્યા છે. આટલું જ નહિં તેમણે પોતાના દિકરા આરીની યાદ અમર થઇ જાય તે આશયે ટૂટીંગની સેન્ટ જ્યોર્જીસ હોસ્પિટલના પીડીયાટ્રીક ઇન્ટેન્સીવ કેર યુનિટ અને ગુજરાતમાં ખેડામાં આવેલી માન્યા દેવી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ માટે £૩૩,૦૦૦ એકત્ર કર્યા છે. જય અને સીનાએ પોતાના એકના એક દિકરાના મૃત્યુ પર રડવા કરતા બીજા અન્ય બાળકોને મદદરૂપ થવા માટે કઠોર પરિસ્થિતીમાં પણ હસતા મોઢે જે કામ કર્યું છે તે ખરેખર કાબિલેતારીફ છે, આ સદ્કાર્યની જેટલી સરાહના કરીએ તેટલી અોછી છે.

મૂળ નડિયાદના વતની અને ડોયચર બેન્કમાં ઇન્વેસ્ટર બેન્કર તરીકે સેવા આપતા જય દિનેશભાઇ પટેલ અને NHSની ગાયઝ એન્ડ થોમસ હોસ્પિટલમાં આઇટી એનાલીસ્ટ તરીકે સેવા આપતા સીનાબેન પટેલના (પિયર બાકરોલ)નો પુત્ર આરી ગત તા. ૨૦ નવેમ્બર ૨૦૧૬ રવિવારના રોજ ઘરના "સન રૂમ"માં રમતો હતો ત્યારે બ્લાઇન્ડસનો દોરો તેના ગળામાં ભેરવાઇ જતાં ગળા ફાંસો આવી જતા આરીને ગંભીર ઇજાઅો થઇ હતી. આરીને તાત્કાલિક સારવાર અર્થે ટૂટીંગની સેન્ટ જ્યોર્જીસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ચાર દિવસની સારવાર બાદ તેનું કરૂણ નિધન થયું હતું.

૨૨ માસની બે દિકરીઅો ધરાવતા જય-સીના માટે પિતાના સાડા ત્રણ વર્ષના માસુમ અને હસમુખા દિકરાનું મૃત્યુ ખૂબજ આઘાતજનક હતું. પરંતુ તેમણે બન્નેએ જાણે કે આરી અને તેની યાદોને અમર કરવાનું બીડું ઝડપી ટૂંક જ સમયમાં તેમણે આરીને પુનઃજીવન આપવાનો નિર્ણય લીધો હતો અને આરીના ઉપયોગમાં લઇ શકાય તેવા તમામ અંગોનું દાન કરવાનું નક્કી કરી લીધું હતું. માસુમ આરીના વિવિધ અંગોનું દાન કરવાથી ૭ માસુમ બાળકોના જીવનમાં ઉજાસ આવ્યો છે અને તે સૌ બાળકો અને તેમના પરિવારજનોને જાણે કે નવું જ જીવન મળ્યું છે. એ રીતે જોઇએ તો જેતે બાળક અને તેના માતા પિતા મળી ૨૧ વ્યક્તિઅો માટે આરી દેવતા બનીને આવ્યો છે તેમ કહીએ તો જરાય ખોટુંનથી.

આરીનું હ્રદયનું એક માસુમ બાળકીમાં આરોપણ કરાયું છે જેના લીધે તે બાળકી હવે પહેલા કરતા ઘણી જ તંદુરસ્ત છે અને તેને ITUમાંથી જનરલ વોર્ડમાં ખસેડવામાં આવી છે. આ જ રીતે આરીના લીવર, પેનક્રીયાસ, નાના બાઉલને પણ નાનકડા બાળકમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. ખૂબીની વાત એ છે કે જ્યાં આપણા સમાજમાં ૪૦-૫૦ કે તેથી વધુ વયની વ્યક્તિઅો પણ પોતાના અંગોનું દાન નથી કરતી ત્યાં આવા માસુમ બાળકોને જરૂર પડે તેવા અંગો તો ક્યાંથી લાવવા? જ્યાં મા-બાપ પોતાના વ્હાલસોયા સંતાનના મૃત્યુની જ કલ્પના કરી ન શકતા હોય ત્યાં તેના અંગોનું દાન કરવાનો તો વિચાર જ ક્યાંથી આવે. પરંતુ જય-સીનાએ એક અદ્ભૂત ડગલું માંડીને આપણને સૌને વિચારતા કરી મૂક્યા છે. અગણિત બાળકો અને યુવાનોના જીવનમાં અદ્ભૂત પલટો લાવી શકવાની ક્ષમતા છે તે માનવ શરીરને કબરમાં દફન કરવા કે પછી અગ્નીમાં હોમી દેવા કરતાં અમુલ્ય અંગોનું દાન કરવામાં આપણે કેમ ખચકાટ અનુભવીએ છીએ?

પોતાનો માસુમ પુત્ર આરી જ્યારે પોતાની પાસે નથી ત્યારે તેની યાદોને અમર કરવા અને આરીના ચહેરા પર જે ચીકી સ્માઇલ અને ડાન્સ મુવના ભાવ હતા તેવા જ ભાવ અન્ય બાળકોના ચહેરા પર આવે તે આશયે જય અને સીનાએ તા. ૨૭ નવેમ્બર ૨૦૧૬ના રોજ પીવી રાયચુરા સેન્ટર – લોહાણા કોમ્યુનીટી કોમ્પલેક્સ ખાતે ઉત્સવનું આયોજન કર્યું હતું. પોતાના મિત્રો - પરિવારજનોને તેમના બાળકો સાથે નિમંત્રણ મોકલવામાં આવ્યું અને સૌ બાળકો અને મોટેરાઅોએ ખાણી-પીણી, કપકેક, ફેસ પેઇન્ટીંગ અને બાઉન્સી કાસલની મોજ માણી. આ જ રીતે તા. ૩ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ આરીના નશ્વરદેહને પંચમહાભૂતમાં વિલિન કરાયા બાદ બપોરે ૧૨ કલાકે ફરીથી પીવી રાયચૂરા સેન્ટર, ક્રોયડન ખાતે ફેરવેલ પાર્ટીનું શાનદાર આયોજન કરાયું અને આરીની યાદમાં ફુગ્ગાઅો ઉડાવી આરીને મનપસંદ વ્યંજનોને માણી આરીને ભાવભીની વિદાય આપી હતી.

આરી કદાચ કદી પાછો નહિં આવે, આરીના માતા પિતાને દિકરાનો અને તેની બે માસુમ બહેનો (સીસી)ને મોટા ભાઇનો પ્રેમ નહિં મળે, પરંતુ તેણે જે યાદો આપી છે તે કોઇ ભુલી શકશે નહિં. જો આરીના અંગોનું દાન આપી શકાય તો મારા અને તમારા અંગોનું દાન આપીને કોઇના જીવનમાં કેમ રોશની લાવી ન શકાય? આરી ભલે આ દુનિયામાં નથી પરંતુ તેના થકી જે સંદેશો આપણને મળ્યો છે તે ક્યારેય ભુલી શકાશે નહિં. આરી કદાચ તેના માતા-પિતાના મધમીઠું હુંફાળુ 'કડલ' નહિં આપી શકે, પરંતુ તેના અંગોનું દાન મેળવનાર બાળક જ્યારે તેના માતાપિતાને "કડલ" આપશે ત્યારે તેમનો આનંદ કેટલો હશે!

અમારા મારખમ, કેનેડા સ્થિત વાચક મિત્ર સુરેશભાઇ અને ભાવનાબેન પટેલે આ બાબતે અમારૂ ધ્યાન દોર્યું તે બદલ અમે તેમના અભારી છીએ.

જો આપ પણ અંગ દાન એટલે કે અોર્ગન ડોનેશન અંગે વધુ માહિતી મેળવવા માંગતા હો કે પછી આરીની યાદમાં રચાયેલ ચેરીટીમાં દાન આપવા માનગતા હો તો (વેબસાઇટ https://www.justgiving.com/crowdfunding/aari-patel) જય પટેલનો સંપર્ક કરી શકો છો.

સંપર્ક: [email protected] 07909 998 840.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter