લંડનઃ ખાધ ઘટાડવા માટે હજારો સિવિલ સર્વન્ટ્સની હકાલપટ્ટીની સલાહ મિનિસ્ટરોને આપનારી મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સંસ્થા મેકકિન્સેને સાપ્તાહિક ૮૦,૦૦૦ પાઉન્ડના ધોરણે ચુકવણી કરાતા ભારે ઉહાપોહ મચ્યો છે. મેકકિન્સે દ્વારા બિઝનેસ વિભાગને ત્રણ સપ્તાહની સલાહના કુલ ૨૪૦,૦૦૦ પાઉન્ડનું બિલ મોકલી અપાતા સાંસદોએ તીવ્ર વિરોધ કર્યો હતો. જોકે, બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદે આ ચુકવણીનો બચાવ કર્યો હતો.
આગામી ચાર વર્ષમાં આશરે ૫,૦૦૦ ડિપાર્ટમેન્ટલ નોકરીઓ શા માટે બંધ કરવાની છે તે મુદ્દે સાંસદોની ઈન્ક્વાયરીમાં મેકકિન્સેના ૨૪૦,૦૦૦ પાઉન્ડના તોતિંગ બિલની વાત બહાર આવી હતી. મોટા ભાગની નોકરીઓ પ્રાદેશિક છે. મેકકિન્સેએ બિજનેસ વિભાગને સલાહ આપવા માટે કરદાતાના સાપ્તાહિક ૮૦,૦૦૦ પાઉન્ડનો અધધ... કહેવાય તેવો ચાર્જ લગાવ્યો હતો. બિઝનેસ સિલેક્ટ કમિટીના લેબર ચેરમેન ઈયાન રાઈટે આ ખર્ચા અંગે અવિશ્વાસ દર્શાવ્યો હતો.