લંડનઃ મોંઘવારી તો સહુને નડે અને જો તેમાં પણ આવકનો સ્રોત (ભંડોળ) ઘટી જાય તો શું કરવું? મેટ્રોપોલીટન પોલીસની આવી જ પરિસ્થિતિ છે. નવી આવક ઉભી કરવા હવે તેઓ બ્રાન્ડેડ વસ્ત્રો અને અન્ય માલસામાનનું વેચાણ શરુ કરવાના છે. આમાં રીતસરનું વેચાણ નહિ જ હોય પરંતુ, તેની ઈમેજીસના ઉપયોગનું લાયસન્સ તેમણે આવી કંપનીઓને આપ્યું છે. ન્યુ યોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ (NYPD) અને લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટ (LAPD) જેવાં અમેરિકી પોલીસ દળોની આંતરરાષ્ટ્રીય સફળતાને અનુસરી સ્કોટલેન્ડ યાર્ડ પણ લોકપ્રિય ઉત્પાદનો વેચી લાખો પાઉન્ડની કમાણી કરવા ઈચ્છે છે.
લંડનના મેયરની ઓફિસની માહિતી મુજબ મેટ્રોપોલીટન પોલીસે ૨૦૧૦થી ખર્ચામાં કાપ મૂકી ૭૨૦ મિલિયન પાઉન્ડની બચત કરવાની ફરજ પડી છે અને ૨૦૨૧ સુધીમાં વધારાના ૩૨૫ મિલિયન પાઉન્ડનો ખર્ચ ઘટાડવો પડશે. ખર્ચામાં કાપ મૂકવાથી ગુનાઓને મોકળું મેદાન મળી જવાની પૂરી શક્યતા છે. મેટ્રોપોલીટન પોલીસ ફેડરેશનનું કહેવું છે કે ફોર્સે ગત છ વર્ષમાં એક બિલિયન પાઉન્ડથી વધુ મૂલ્યની સંપત્તિનો નિકાલ કર્યા પછી વધુ વેચવા જેવું રહ્યું નથી. આથી, આવકનો નવો પ્રવાહ શોધવા દળોએ તેનો લોગો, ફોન્ટ અને કલર સ્કીમ, ન્યુ સ્કોટલેન્ડ યાર્ડ હેડક્વાર્ટર્સની બહાર સ્પિનિંગ સાઈનના ચિત્રો અને પેટ્રોલિંગ કરતા તેના ઓફિસરોની ઈમેજીસના ઉપયોગનું લાયસન્સ આપ્યું છે.
વસ્ત્રો, રમકડાં અને ગેમ્સ, સ્ટેશનરી, ઘરવખરીના સાધનો અને સોવિનિયર્સ સહિત મેટ- બ્રાન્ડેડ ઉત્પાદનોની રેન્જ સ્થાપિત કરવા બ્રાન્ડિંગ ફર્મ The Point.1888ની પસંદગી કરાઈ છે. ૨૦૨૧ સુધીના આ સોદામાં ટ્રાન્સપોર્ટ ફોર લંડનની મુખ્ય ભૂમિકા રહી છે, જેઓ વિવિધ ગિફ્ટ્સ અને ઉત્પાદનોની રેન્જનું વેચાણ કરે છે. જોકે, યુનિફોર્મ્ડ પોલીસ અધિકારીઓનો સ્વાંગ લેવા માટે આ ઉત્પાદનોનો ઉપયોગ કરવા નહિ દેવાય તેવી સ્પષ્ટતા સ્કોટલેન્ડ યાર્ડે કરી છે.
બીજી તરફ, બ્રાન્ડિંગ નિષ્ણાતો અનુસાર મેટનો લાયસન્સિંગ સોદો લાખો પાઉન્ડ્સનો હોઈ શકે પરંતુ, બ્રિટિશ નાગરિકો આવાં ઉત્પાદનો ખરીદી લોકપ્રિય બનાવે તે બાબતે શંકા છે. જોકે, વિદેશમાં નિકાસ તરીકે તેને સફળતા મળી શકે છે.