લંડનઃ વૈજ્ઞાનિકોએ ભારે વજન ધરાવતા અને હજુ સુધી અસાધ્ય ટાઈપ-ટુ ડાયાબીટીસ ધરાવતા દર્દીઓ પર ગેસ્ટ્રિક બેન્ડ સર્જરી દ્વારા રોગની સ્થિતિ સુધારવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. અભ્યાસમાં જણાવાયું હતું કે ટાઈપ-ટુ ડાયાબીટીસ પેનક્રિઆસમાં વધુ પડતી ચરબી સાથે સાંકળી શકાય છે.
વાનકુવરમાં વર્લ્ડ ડાયાબીટીસ કોન્ફરન્સમાં રજૂ કરાયેલા અભ્યાસમાં ન્યૂકેસલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી દ્વારા ટાઈપ-ટુ ડાયાબીટીસના ૧૮ દર્દીઓમાં રોગની સ્થિતિને ઊલટી દિશામાં લઈ જવાનો દાવો કર્યો છે. આ લોકોને પેનક્રિઆસમાં ચરબીના થરોના કારણે ડાયાબીટીસ થયાનું તારણ તેમણે કાઢ્યું હતું. આ દર્દીઓએ તેમના કુલ વજનના ૧૩ ટકા વજન ગુમાવવા સાથે પેનક્રિઆસમાં વધારાની ચરબી પણ ગુમાવી હતી. ગયા વર્ષે પણ વજન ઘટાડવાનું ઓપરેશન કર્યાના ત્રણ વર્ષમાં ત્રીજા ભાગના દર્દીઓ બ્લડ સુગરના નોર્મલ સ્તરે પહોંચ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં લેન્સેટમાં પ્રસિદ્ધ અભ્યાસમાં પણ આવી સર્જરી પછીના પાંચ વર્ષમાં ૫૦ ટકા દર્દીઓને ટાઈપ-ટુ ડાયાબીટીસ દૂર થવાની સફળતા મળી હોવાનું જણાવાયું હતું.
યુકેમાં સ્થૂળતા સાથે સંકળાયેલા ટાઈપ-ટુ ડાયાબીટીસના ૨૦ લાખથી વધુ દર્દીઓ છે, જેમણે રોગ પર કાબુ રાખવા જીવનભર દવાઓ લેવી પડે છે. વિશ્વાસપાત્ર ઉપચારથી NHSને બિલિયન્સ પાઉન્ડની બચત થઈ શકે છે.