લંડનઃ મેન બૂકર પ્રાઈઝ ફોર ફિક્શન ૨૦૧૫ માટે શોર્ટલિસ્ટ કરાયેલા છ લેખકોની આખરી યાદીમાં બ્રિટિશ ભારતીય લેખક સંજીવ સહોટાનો સમાવેશ થાય છે. ડર્બીશાયરમાં જન્મેલા સહોટાએ તેમના પુસ્તક ‘The Year of the Runaways’માં ભારતથી આવેલા અને શેફિલ્ડના એક ઘરમાં રહી નવા જીવનની શોધ ચલાવતા ૧૩ યુવાનની કથા કહી છે.
આ પ્રાઈઝના વિજેતાની જાહેરાત ૧૩ ઓક્ટોબરે કરવામાં આવનાર છે. આ પ્રાઈઝ સતત બીજા વર્ષે કોઈ પણ રાષ્ટ્રીયતાના પરંતુ મૂળતઃ અંગ્રેજીમાં લખાયેલાં અને યુકેમાં પ્રકાશિત પુસ્તકના લેખક માટે ખુલ્લું રખાયું છે. અગાઉ, આ પ્રાઈઝ યુકે અને કોમનવેલ્થ, રિપબ્લિક ઓફ આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વેના લેખકો માટે જ મર્યાદિત હતું.