લંડનઃ દેશની રાજધાની લંડનના મેયરપદે ચૂંટાયા પછી સાદિક ખાને પ્રથમ દિવસે જ મેટ્રોપોલિટન પોલીસના વડા સર બર્નાર્ડ હોગાન હોવ સાથે મુલાકાત યોજી કામગીરીનો આરંભ કર્યો હતો. બીજી તરફ, વડા પ્રધાન ડેવિડ કેમરને પણ વિજય માટે સાદિક ખાનને અભિનંદન પાઠવ્યા હતા.
નંબર ૧૦ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બન્ને વચ્ચે લંડન માટે સાથે મળીને કાર્ય કરવા સહિતની રચનાત્મક ચર્ચા થઈ હતી. સાદિકે લંડન બ્રિજ સ્ટેશન ખાતે ટ્યૂબના પ્રવાસી સાથે પણ વાતચીત કરી હતી.
ચૂંટણી પ્રચાર દરમિયાન સાદિક મેયર બનશે તો લંડન માટે આતંકવાદીઓ દ્વારા વધુ જોખમ આવશે તે મુદ્દે કેમરને માપી માગી હતી કે કેમ તેનો કોઈ ઉત્તર અપાયો ન હતો. ડિફેન્સ સેક્રેટરી માઈકલ ફેલોને પણ બીબીસી ઈન્ટરવ્યુમાં આ પ્રશ્ન ટાળી દીધો હતો. તેમણે કહ્યું હતું કે કન્ઝર્વેટિવ સરકાર લંડનના નવા મેયર સાથે કામ કરતી હોવાથી લંડન સલામત છે.