લંડનઃ હોલીવૂડના દંતકથાસમાન ૯૦ વર્ષીય કોમેડિયન અને ફિલ્મમેકર મેલ બ્રૂક્સનું રવિવાર ૧૨, ફેબ્રુઆરીએ ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમના હસ્તે ઐતિહાસિક રોયલ આલ્બર્ટ હોલ ખાતે બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ (BAFTA) ફેલોશિપથી સન્માન કરાયું હતું. પ્રતિષ્ઠિત ફેલોશિપ એવોર્ડ આજીવન સિદ્ધિઓની કદર કરવા ૧૯૭૧થી શરૂ કરાયા છે.
પ્રિન્સ વિલિયમે બ્રૂક્સને ‘ભારે પ્રતિભાશાળી અભિનેતા, કોમેડિયન, ફિલ્મમેકર, કમ્પોઝર અને ગીતલેખક’ ગણાવ્યા હતા. મેલ બ્રૂક્સે જણાવ્યું હતું કે,‘૨૦૧૭ની ફેલોશિપ માટે મને પસંદ કરીને બાફ્ટાએ વિચિત્ર રીતે આશ્ચર્યજનક છતાં ડહાપણભર્યો નિર્ણય લીધો છે. મને આ સન્માનથી ખુશી થઈ છે.’ એમી, ગ્રેમી, ઓસ્કાર અને ટોની એવોર્ડ્સ જીતનારા માત્ર ૧૨ કળાકારોમાં બ્રૂક્સનો પણ સમાવેશ થાય છે. તેમણે ‘ધ પ્રોડ્યુસર્સ’,‘ બ્લેઝિંગ સેડલ્સ’ અને ‘યંગ ફ્રેન્કેન્સ્ટાઈન’ જેવી નોંધપાત્ર ફિલ્મોનું નિર્માણ કર્યું છે.
ફિલ્મક્ષેત્રે પોતાના કાર્ય માટે અગાઉ ચાર્લી ચેપ્લીન, આલ્ફ્રેડ હિચકોક, સ્ટીવન સ્પિલબર્ગ, જુડી ડેન્ચ, હેલન મિરેન, માર્ક લેઈ અને ગયા વર્ષે સિડની પોઈટેરને ફેલોશિપથી સન્માનિત કરાયા છે.