મોજ, મજા અને મનોરંજનનો સમન્વય: આનંદ મેળો

Tuesday 16th June 2015 14:03 EDT
 
 

'ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસ' દ્વારા તા. ૬ અને ૭ જૂનના રોજ હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ ખાતે યોજાયેલા શાનદાર પાંચમા 'આનંદ મેળા'માં ઉમટી પડેલા ૬,૦૦૦ કરતા વધુ લોકોએ ભારતીય સંસ્કૃતિથી ધબકતા ગીત, સંગીત અને નૃત્યના મનોરંજનની મઝા લુંટી હતી તો ભારતનો અસ્સલ સ્વાદ ધરાવતા વિવિધ વ્યંજનો અને પીણાંનો રસાસ્વાદ માણ્યો હતો. સ્થાનિક એમપીઅો, લોર્ડ્ઝ અને કાઉન્સિલરો, અગ્રણીઅો શુભારંભ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષની પસંદ થયેલ ચેરીટી સંસ્થા સેન્ટ લ્યુક્સને £૧૦,૦૦૦ જેટલું ભંડોળ મળ્યું હતું. બીજી તરફ 'આનંદ મેળા'ના મેઇન સ્પોન્સર વર્લ્ડ રેમીટ હતાં.

'આનંદ મેળા'માં ભાગ લેવાનો ઉત્સાહ એટલો બધો હતો કે બન્ને દિવસ દરમિયાન સવારે ૧૦ વાગ્યાથી જ અબાલ વૃધ્ધ સૌ ઉમટી પડ્યા હતા અને રીતસર પ્રવેશ માટે લાઇન લાગી હતી. જાણોે કે સૌ એ લંડનના સૌથી મોટા સમર મેલામાં ભાગ લેવા જાણે કે હોડ બકી હતી. 'આનંદ મેળા'માં ઉમટેલા લોકોએ બ્યુટી, વેડીંગ, ફેશન, સાડી અને ડ્રેસ મટીરીયલ્સ, ટ્રાવેલ, ટૂરીઝમ, આરોગ્ય, જ્વેલરી, શિક્ષણ, બિઝનેસ, ટેલિ કોમ્યુનિકેશન, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ સહિતની વિવિધ સેવાઅો મેળવી હતી અને દિલથી ખરીદી કરી હતી. આપણે ભારતીયો અને એશિયનો ખાવાપીવામાં પાછા પડીએ ખરા! જી હા, મેળામાં આવેલા સૌએ મનભરીને પારંપરિક અને સ્વાદિષ્ટ એવા પંજાબી, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી વાનગીઅો અને વ્યંજનોની મોજ માણી ચટપટા નાસ્તાની ખરીદી કરી હતી.

ખુબ જ સુંદર અને આહ્લાદક વાતાવરણમાં ઉમટી પડેલા સૌએ છેલ્લા ચાર વર્ષમાં યોજાયેલા સૌથી વિશાળ અને આનંદથી ભરપૂર એવો આનંદ મેળો જેના માટે વિખ્યાત છે તે ગીત-સંગીત, નૃત્ય, મનોરંજન અને અવનવા સંગીત વાદ્યોની મજા માણી હતી. વિખ્યાત ગાયક કલાકારો નવિન કુંદ્રા, કિશન અમીન, વિકેશ ચાંપાનેરી, હેમીના શાહ, તૌકીર ખાન, મુહમ્મદ ફહાદ, નલિની પટ્ટણી, જેયડન, પ્રીતિ વરસાણીના ગીતોએ અવાજનો જાદુ પાથર્યો હતો. નાનકડા ઢોલીડા કિવરાજ ઘરયાલ, યુવાન તબલાવાદક મેહુલ શિવજી, યુવાન ઢોલીડા રસીકભાઇ ભૂડીયાએ પણ શ્રોતાઅોને ડોલાવ્યા હતા.

અવનવા નૃત્યો, ગરબાઅો વગેરે માટે વિખ્યાત 'આનંદ મેળા'માં હની કલારીયા ડાન્સ એકેડેમી, મીરા ડાન્સ એકેડેમી, અર્ચના કુમાર ડાન્સ એકેડેમી, સંસ્કૃતિ ગુરૂના કલાકારોએ મનમોહક બોલીવુડ નૃત્યો અને અન્ય નૃત્યો રજૂ કરી રંગ રાખ્યો હતો. એલન વોટ્સના સંગીતનો જાદુ સૌને મંત્રમુગ્ધ કરી ગયો હતો.

મુખ્ય પ્રયોજક 'વર્લ્ડરેમીટ'

'આનંદ મેળા'ના મુખ્ય પ્રયોજક 'વર્લ્ડરેમીટ' વિશ્વની ટોચની કંપની છે જે વિદેશ રહેતા પરિવારજનો તેમજ મિત્રોને અોનલાઇન નાણાં મોકલવામાં મદદરૂપ થાય છે. 'વર્લ્ડરેમીટ' હાઇસ્ટ્રીટ પરના એજન્ટ તેમજ હવાલા કરતા લોકો કરતા અોછી અને વ્યાજબી ફી લે છે. નાણાં મોકલવા માટે ભરોસાપાત્ર 'વર્લ્ડરેમીટ'ની સેવાઅો વિશ્વના ૫૦ કરતા વધારે દેશોમાં મળે છે અને યુરોપ, એશિયા, આફ્રિકા, અમેરિકા અને અોસ્ટ્રેલીયાના કુલ ૧૧૦ કરતા વધારે સ્થળે પૈસા ટ્રાન્સફર કરી આપે છે.

સેન્ટ લ્યુક્સ હોસ્પીસ

આ વર્ષની પસંદ થયેલ ચેરીટી સંસ્થા સેન્ટ લ્યુક્સ હોસ્પીસ અસાધ્ય બીમારીથી પીડાતા વડિલોની સારસંભાળ માટે કામ કરતી ચેરીટી સંસ્થા છે અને બીમાર વડિલો તેમની બીમારી સામે લડી શકે અને તેમનું મનોબળ મજબૂત થાય, તેઅો સારી રીતે જીવી શકે તેવા પ્રયત્નો કરે છે.

સેન્ટ લ્યુક્સ હોસ્પિસના પામ રસેલે જણાવ્યું હતું કે "અમારા કાર્યકરોને આ વર્ષે ખૂબ જ વિશાળ જન સમુદાયને મળવાનો મોકો સાંપડ્યો હતો જેથી અમારી કામગીરી અને મફત અપાતી સેવા વિષે જાણવાની જનતાને તક મળી હતી. અમે સૌ 'આનંદ મેળા'ના ચેરીટી ભાગીદાર તરીકે ગૌરવ અનુભવીએ છીએ. મોટાભાગના લોકોને અમારે ત્યાં મળતી ઇન પેશન્ટ કેર – સારવાર અંગે માહિતી હોય છે. પરંતુ અમે દર્દીના ઘરે જઇને પણ સારવાર આપીએ છીએ તે અંગે માહિતી હોતી નથી. અમારા કેન્ટન હેરો સ્થિત વુડગ્રેન્જ સેન્ટર ખાતે નાઇલાજ બીમારીઅોની વિસ્તૃત સારવાર અને થેરાપીઝ આપવામાં આવે છે.'

પામ રસેલે જણાવ્યું હતું કે 'મેળામાં જે રીતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને અમારી પ્રવૃત્તીમાં રસ લીધો હતો તેનાથી અમે ખૂબજ અભિભૂત થયા છીએ. અમને આનંદ છે કે ઘણાં બધા સ્ટોલ સેન્ટ લ્યુક્સ હોસ્પિસને ટેકો આપવા માટે જાંબલી રંગના ફુગ્ગાઅો દ્વારા શણગારવામાં આવ્યા હતા. આ પળે હું મેળામાં જોડાયેલા સર્વનો અને સેન્ટ લ્યુક્સ હોસ્પિસને દાન આપવા બદલ, લેડીઝ મીડનાઇટ વોકમાં જોડાવા બદલ અને હોસ્પિસ લોટરીની ટિકીટ ખરીદવા બદલ ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું.'

પામ રસેલે જણાવ્યું હતું કે અમે મેળા દરમિયાન £૧૦,૦૦૦નું ફંડ એકત્ર કરવામાં સફળ થયા હતા અને તેનાથી અમારા ડોક્ટર્સ અને નર્સીસ ૧૬૦ જેટલા ઘરે જઇને દર્દીની મુલાકાત સારવાર કરી શકશે. જેનાથી અમારા દર્દીઅોને તેમના ઘરમાં જ સારવાર મળી રહેશે.

શનિવારે ડાયાબિટીશ માટે કાર્ય કરતી સિલ્વર સ્ટાર ચેરીટી દ્વારા 'આનંદ મેળા'ના પ્રવેશ દ્વાર પાસે તેમની વાન ઉભી રાખવામાં આવી હતી. યુકેની રજીસ્ટર્ડ ચેરીટી એવી સિલ્વર સ્ટાર દ્વારા ડાયાબિટીશના નિદાન માટે મોબાઇલ ડાયાબિટીશ વાનનું દાન કરાયું છે. બ્રિટનમાં ડાયાબિટીશ અંગે જાગૃતિ લાવવાનું મહત્વપૂર્ણ કાર્ય સિલ્વર સ્ટાર દ્વારા કરવામાં આવે છે.

એફોર્ડેબલ ઇન્ડિયા પ્રોપર્ટી શો ૨૦૧૫

'ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસ' દ્વારા 'આનંદ મેળા'ની સાથે જ ઉપરના માળે મેસફીલ્ડ સ્યુટ ખાતે યોજાયેલા 'અફોર્ડેેબલ ઇન્ડિયા પ્રોપર્ટી શો'માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભારતના વિવિધ શહેરોમાં પ્રોપર્ટી રોકાણ અંગે માહિતી મેળવી હતી. વતનમાં ઘરનું ઘર વસાવી રોકાણ કરવાની શ્રેષ્ઠ તક ઝડપી લેવા માટે લોકોએ વિસ્તૃત માહિતી મેળવીને ઉંડો રસ બતાવ્યો હતો.

એફોર્ડેબલ ઇન્ડિયા પ્રોપર્ટી શો ૨૦૧૫માં ગુજરાત સહિત ભરત ભરના વિવિધ રાજ્યોના પ્રોપર્ટી ડેવલપર તરફથી વિવિધ પ્રોપર્ટીઅો રજૂ કરવામાં આવી હતી અને પ્રોપર્ટી ખરીદવા માટે લોનની વ્યવસ્થા કઇ રીતે થઇ શકે છે તે વિષે પણ માહિતી મેળવી હતી. પ્રોપર્ટી શો જોવા માટે સેન્ટ્રલ લંડન જવાના બદલે હેરોમાં જ પ્રોપર્ટી શો યોજાયો હોવાથી લોકોને ઘણીજ આસાની થઇ હતી. એસેટ ઇન્ડિયા અને ઇન્વેસ્ટર ડીકોડ દ્વારા આ શૌ દ્વારા પ્રોપર્ટી ક્ષેત્રે રોકાણ કરવાની તક ઉપલબ્ધ કરાઇ હતી.

વધુ માહિતી માટે જુઅો 'એશિયન વોઇસ' પાન ૧૨ અને ૧૩.

 (તસવીર સૌજન્ય: રાજ બકરાણીયા - PR mediapix)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter