લંડનઃ ‘ધ મોદી ડોક્ટ્રિનઃ ન્યુ પેરેડાઈમ્સ ઈન ઈન્ડિયાઝ ફોરેન પોલિસી’ પુસ્તકની ત્રીજી આવૃત્તિ લંડનના ઈન્ડિયા હાઉસ ખાતે ૨૯ નવેમ્બરે લોન્ચ કરવામાં આવી હતી. આ પુસ્તકમાં વિવિધ રાષ્ટ્રીયતા અને મહત્ત્વપૂર્ણ વિષયોના નિષ્ણાત એનાલીસ્ટ્સ અને પ્રેક્ટિશનર્સના નિબંધોનું સંકલન છે.કાર્યકારી ભારતીય હાઈ કમિશનર દિનેશ કે. પટનાયકે પ્રારંભિક પ્રવચન કર્યા પછી પેનલ ચર્ચા અને ઈન્ટરેક્ટિવ સત્રનો આરંભ કરાયો હતો. પેનલમાં આ પુસ્તકના એડિટર્સ શ્યામાપ્રસાદ મુખરજી રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર ડો. અનિર્બન ગાંગુલી અને ભાજપ ફોરેન એફેર્સ ડિવિઝનના વડા ડો. વિજય ચૌથાઈવાલે ઉપરાંત, ત્રીજા પેનલિસ્ટ IFGL Group ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બાજોરીઆ હતા. ચર્ચાના મોડરેટરની કામગીરી ઈન્ડિયા ઈન્ક. ઈન્ડિયા ગ્લોબલ બિઝનેસ મેગેઝિનના સ્થાપક અને સીઈઓ મનોજ લાડવાએ સંભાળી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્વાનો, રાજદ્વારીઓ અને મીડિયાકર્મીઓએ નરેન્દ્ર મોદી દ્વારા વિમુદ્રીકરણ- ડીમોનેટાઈઝેશન અભિયાનની ચર્ચા ઈચ્છતા હતા, જોકે, આ વિષય ચર્ચામાં સમાવિષ્ટ જ હતો અને આ પુસ્તક જેના વિશે છે તે વર્તમાન મોદી સરકારના નેતૃત્વ હેઠળ ભારતમાં કેટલો બદલાવ આવ્યો છે તેના પર વિશેષ ભાર મૂકાયો હતો.
ડો. ચૌથાઈવાલેએ વિષયસામગ્રીનો પરિચય આપતા જણાવ્યું હતું કે તેમાં વ્યૂહાત્મક, કાર્યનીતિક, સાંસ્કૃતિક અને સંરક્ષણના મુદ્દાઓનો સ્પર્શ કરાયો છે. તેમણે કહ્યું હતું કે,‘આ પુસ્તકને એ હકીકત વિશ્વસનીયતા બક્ષે છે કે તેના લેખન અને સંપાદનમાં ૨૧ વ્યક્તિ સંકળાયેલી છે અને તેમાંથી ૧૧ વ્યક્તિ કોઈ રીતે પાર્ટી સાથે જોડાયેલી નથી, તેઓ માત્ર પ્રોફેશનલ્સ છે.’
‘ધ મોદી‘ઝ ડોક્ટ્રિન’માં લેખકોએ ભારતની પરસ્પર ગુંથાયેલી આંતરિક અને વિદેશ નીતિઓ સંદર્ભે સરકાર કેઈ રીતે ઈનિશિયેટિવ્સ-પહેલના પગલાં લઈ રહી છે તેની ચર્ચા કરી હતી. ગત બે વર્ષમાં મોદીના રાજદ્વારી સંપર્કો ઈઝરાયલ, ઈરાક અને યુએઈ જેવાં દેશો સાથે મજબૂત સંબંધોના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હતા તેમજ તેમના મેઈડ ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, સ્માર્ટ સિટીઝ અને સ્કિલ ઈન્ડિયા ઈનિશિયેટિવ્સમાં પ્રગતિ માટે આંતરરાષ્ટ્રીય સહકારનું નિર્માણ કરવા માટે હતા
ડો. ચૌથાઈવાલેએ અગાઉની સરકારોની સરખામણીએ આ સરકાર કેવી અલગ છે તેના ઉદાહરણ આપ્યા હતા. એક વ્યક્તિએ તેની પત્નીના પાસપોર્ટની મુદત વિસે ચકાસણી કર્યા વિના જ હનીમૂનનું આયોજન કર્યું હતું. તેણે પોતાની સમસ્યા અંગે મોદીને ટ્વીટ કર્યું હતું, જેમાં તે વિમાનમાં એકલો બેઠો હોય તેવું ચિત્ર સામેલ કર્યું હતું. મોદીએ વળતા ટ્વીટમાં તેને PMO નો સંપર્ક સાધવા જણાવ્યું હતું અને એક જ કલાકમાં તેની પત્નીનો પાસપોર્ટ રીન્યુ કરાવાયો હતો. શિશિર બાજોરીઆએ કહ્યું હતું કે,‘તેમના ટ્વીટર મિશન્સ પ્રોએક્ટિવ બન્યા હતા અને તેનાથી બિઝનેસીસને મદદ મળી હતી. યુકે અને ભારત વચ્ચેના વેપારમાં વધારો થયો હતો.’ તેમણે કહ્યું હતું કે આ સરકારના સમયમાં ફૂગાવા પર અંકુશ આવ્યો છે અને પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) મેળવવામાં સફળતાએ બિઝનેસીસને મદદ કરી છે. રેલવેના આધુનિકીકરણ અને એરફિલ્ડ્ઝને કાર્યરત બનાવવાથી સમગ્ર ભારતના નાના નગરો સુધી પહોંચવામાં ભારતીય વેપારધંધાને ભારે મદદ થઈ છે. ભ્રષ્ટાચાર રોકવાની મોદીની પહેલોનો ઉલ્લેખ કરતા બાજોરીઆએ કહ્યું હતું કે, ‘આવા હિંમતભર્યા પગલાં લેવાની કુનેહ ધરાવતા નેતાની જ તમારે જરૂર છે.’
પુસ્તકની ત્રીજી આવૃત્તિમાં પાકિસ્તાન અને ચીન તેમજ ભારતના પડોશીઓ સાથે મોદીના રાજદ્વારી અને કાર્યનીતિક સંપર્કો વિશેના પ્રકરણો ઉમેરાયાં છે. ડો. અનિર્બન ગાંગુલીએ કહ્યું હતું કે,‘મોદી ચીન સાથે કટ્ટર બનીને નહિ રહે. તેમણે PTM જેવી કંપનીઓને પ્રોત્સાહન આપ્યું છે, જેના ભારતમાં રોકાણનો ૪૦ ટકા હિસ્સો ચીનનો છે. તેમણે હિંદ મહાસાગર અને સાઉથ ચાઈના સીના રક્ષણ માટે ચીન સાથે સહકાર સાધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.’
આ પુસ્તક યુકેના વડા પ્રધાન થેરેસા મેના તાજેતરના ભારત પ્રવાસ અગાઉ લખાયું હોવાથી તેમાં ભારતના યુકે સાથેના સંબંધોનો ઉલ્લેખ નથી. જોકે, ગાંગુલીએ જણાવ્યું હતું કે, ‘બ્રેક્ઝિટ પછીની યુકેની નીતિઓ હજુ ઘડાઈ રહી છે ત્યારે બિઝનેસીસને આગલા સ્તરે લઈ જવા માટે બ્રિટન પાસેથી વધુ સ્પષ્ટતાઓ આવશ્યક હોવાથી વેપાર સુધારવાની અપેક્ષાઓ ઘણી ઊંચી ન હતી. જોકે, હાઈ સ્કિલ્ડ વર્કર્સ માટે અને સ્ટુડન્ટ્સને કેનેડા, ઓસ્ટ્રેલિયા અથવા યુએસ જેવાં સ્થળોએ જતાં રોકવા વિઝા આપવા મુદ્દે વ્યવહારુ ચર્ચાઓ થઈ હતી.
ગાંગુલીએ એમ પણ જણાવ્યું હતું કે, પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને મોદી વચ્ચેના સંબંધ ભારત-યુએસ સંબંધોને વધુ મજબૂત બનાવશે. ટ્રમ્પે પોતાના ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ ચૂંટણીપ્રચારમાં નિવેદન થકી તેઓ મોદીતરફી હોવાનું દર્શાવ્યું હતું. આ સિવાય ભારતમાં ટ્રમ્પે સારા રોકાણો પણ કર્યા હોવાનું ગાંગુલીએ રમૂજમાં કહ્યું હતું.
ગાંગુલીએ પુસ્તકમાં ભારત-જાપાન સંબંધો વિશેના પ્રકરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોટા ભાગની મુખ્ય ન્યુક્લીઅર એનર્જી કંપનીઓ જાપાની માલિકીની હોવાથી તે ભારત માટે વ્યૂહાત્મક લાભપ્રદ હોવાની હકીકતનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે સિંગાપોર, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ક્વોડ્રિલેટરલ નૌકા કવાયતો અને વ્યૂહાત્મક વાટાઘાટો સારી રહી હોવાનું પણ જણાવ્યું હતું.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના તંત્રી/પ્રકાશક સી.બી. પટેલે આટલા બધા રચનાત્મક મુદ્દાઓ દર્શાવવા સંદર્ભે પેનલ અને લેખકોને અભિનંદન પાઠવવા સાથે ચિંતા પણ વ્યક્ત કરી જણાવ્યું હતું કે અત્યાર સુધી સારી-સારી ટીપ્પણીએ સાંભળવા મળી છે તે વાતો જરૂર આવકારદાયી છે પરંતુ, આવી પ્રબુદ્ધ પેનલે આ વિષયો પર સંભવિત ફોલ્ટ લાઈન્સ જેવા મુદ્દાઓ પણ ઉઠાવવા જોઈએ.
આનો પ્રતિભાવ આપતા ડો. ગાંગુલીએ કહ્યું હતું કે મોદી સરકારની પ્રચંડ શક્તિનું અનુકૂલન કાર્યસિદ્ધિ સુધારવામાં પણ થવું જોઈએ, જે હજુ થયું નથી. ‘મોટી વાતોનો સમય પૂરો થયો છે. ૨૦૧૮ના ઉનાળા સુધીમાં FDIઆવવી જ જોઈએ, અન્યથા સમસ્યા સર્જાશે.’ આખરમાં ગાંગુલીએ કહ્યું હતું કે,પાકિસ્તાન અને સાઉથ એશિયા પરત્વે મોદીના પરિપ્રેક્ષ્ય ઉદ્દામ છે. ગત વર્ષે સરકારો વચ્ચે ચર્ચાઓ, બેઠકો અને શાંતિ પહેલોનો દોર હતો પરંતુ, પઠાણકોટ અને ઉરી ઘટનાઓ પછી કોઈ મંત્રણાઓ નથી. પાકિસ્તાન સાથે બહુસ્તરીય મંચો પર સંપર્કો મહત્ત્વના છે- બેક ચેનલ દેખાતી નથી અને તે જ મહત્ત્વ ધરાવે છે.’