લંડનઃ કોર્પોરેશન ટેક્સમાં £૧૧૫,૦૦૦ની કરચોરી કરવા જૂઠાણુ આચરવા સહિત ૧૪ ગુના બદલ મિડલસેક્સના મોર્ગેજ બ્રોકર આસીમ ઝફર હુસૈન (૪૨)ને સધર્ક ક્રાઉન કોર્ટે બે વર્ષ જેલની સજા ફરમાવી છે, જે બે વર્ષ સુધી મુલતવી રહેશે. તેણે ૨૪૦ કલાક કોમ્યુનિટી સેવા કરવાની રહેશે.
લાઈફસ્ટાઈલ મોર્ગેજીસ (મિડલસેક્સ)ના ડિરેક્ટર હુસૈને કંપનીની આવકને અન્ય બેન્કખાતામાં રાખી નફો ઘટાડવા અને કોર્પોરેશન ટેક્સ ઓછો ભરવો પડે તે માટે જૂઠાણું આચર્યું હતું. આ નાણાનો ઉપયોગ તેણે દુબાઈમાં પ્રોપર્ટી ખરીદવા, પોતાનો વધુ મોર્ગેજ ચુકવવા અને જમીનમાં રોકાણ માટે કર્યો હતો. જોકે, તે HMRCના ધ્યાનમાં આવી ગયો હતો. અગાઉ, ફાઈનાન્સિયલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા ઈલિંગમાં મોર્ગેજ સલાહકારનું કામકાજ કરતા હુસૈન પર પ્રતિબંધ લગાવાયો હતો.