લંડનઃ તાજેતરમાં લંડનમાં ઘણાં સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા. યુકે વિમેન્સ નેટવર્ક દ્વારા ૯ માર્ચે હાઉસ ઓફ કોમન્સમાં અડધા દિવસના સેમિનારનું આયોજન થયું હતું, જેમાં અગ્રણી તમિળ મહિલાઓએ સેમિનારમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રની મહિલાઓ સમક્ષ પોતાના જીવનની યાત્રાની વાત કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષપદે વીરેન્દ્ર શર્મા MP હતા અને રૂથ કેડબરી MP ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાર્લી સ્ટ્રીટ ફર્ટિલીટી ક્લિનિકના ડિરેક્ટર ડો. ગીતા વેંકટ અને ટીવી અભિનેત્રી અનુ હસન સહિત બે મુખ્ય અતિથિઓ અને અન્ય વક્તાઓએ પોતે જીવનમાં કરેલા પડકારોનો સામનો, આર્થિક મુશ્કેલી દૂર કરવા અને બિઝનેસને તેમજ કારકિર્દીને સફળ બનાવવા માટે સોશિયલ મીડિયા સહિતના ક્ષેત્રે કરેલી મહેનતની વિગતો આપી હતી.
તે સાંજે જ ઈન્ડિયન લેડિઝ ઈન ધ યુકે (ILUK) એ પાર્લામેન્ટમાં તેની વેબસાઈટ લોંચ કરી હતી. આ પ્રસંગે બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી શબાના આઝમી ખાસ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમના પ્રમુખપદેથી વીરેન્દ્ર શર્માએ આજે તેઓ જે સ્થાને પહોંચ્યા છે તેમાં તેમની માતાના પ્રભાવ વિશે વાત કરી હતી. ફૂડ એક્સપર્ટ અને લેખિકા પિંકી લીલાણી CBE, લંડનના ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલ, યુકે ખાતે ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર દિનેશ પટનાયકના પત્ની પૂનમ પટનાયક અને શબાના આઝમીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
પિંકીએ પોતે કેવી રીતે ફૂડ એક્સપર્ટ બન્યા તેની વાત કરતાં સફળ થવા માટે વ્યક્તિએ પોતાની જાતમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થવાનું ખૂબ મહત્ત્વનું હોવા પર ભાર મૂક્યો હતો. પૂનમ પટનાયકે પોતાની માતાની વાત રજૂ કરી હતી અને કોઈને મદદરૂપ થવા માટે વાતચીત સૌથી શક્તિશાળી સાધન હોવાનું જણાવ્યું હતું.
શબાના આઝમીએ જણાવ્યું હતું કે હવે તો વિશ્વમાં સૌ કોઈને ખબર છે કે કોઈ પણ દેશનું વાસ્તવિક મૂલ્યાંકન માત્ર GDP થી નહીં પરંતુ તેના માનવ વિકાસ આંક દ્વારા થાય છે. શિક્ષણ અને આરોગ્ય તેના મુખ્ય આધાર છે અને સમાજની સ્વસ્થતાને માપવા માટે મહિલાઓનું સશક્તિકરણ અતિમહત્ત્વનો માપદંડ છે.