લંડનઃ બ્રિટનની વિશ્વસ્તરીય ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીઝ ૫૭ બિલિયન પાઉન્ડની ટ્રેડ સરપ્લસ લાવે છે, જે અન્ય કોઈ પણ યુરોપિયન દેશ કરતા વધુ છે. TheCityUK લોબી ગ્રૂપના અભ્યાસ અનુસાર દેશના તદ્દન નજીકના હરીફ યુએસ અને સ્વીટ્ઝર્લેન્ડના સંયુક્ત સરપ્લસ કરતાં પણ આ વધુ છે. આ ઉપરાંત, બ્રિટન પાસે ૬ ટ્રિલિયન પાઉન્ડ બેન્કિંગ એસેટ્સ છે, જે યુરોપમાં સૌથી વધુ છે તેમજ વિશ્વમાં સર્વોચ્ચ ફોરેન એક્સચેન્જ સેન્ટર અને સૌથી મોટી ઈન્સ્યુરન્સ ઈન્ડસ્ટ્રી પણ બ્રિટન પાસે જ છે.
TheCityUK ના ચીફ ઈકોનોમિસ્ટ અંજલિકા બારડાલાઈ કહે છે કે, ‘ગ્લોબલ ફાઈનાન્સિયલ સિસ્ટમમાં બ્રિટનનું સ્થાન અકલ્પનીય છે. ગ્લોબલ સેન્ટર તરીકે લંડનનું એક સાચું હરીફ માત્ર ન્યૂ યોર્ક જ છે.’ અભ્યાસમાં જણાવાયું છે કે બ્રિટનની ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ બચતકારોની વિક્રમી ૮.૨ ટ્રિલિયન પાઉન્ડ રોકડની સંભાળ રાખે છે અને તેના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બુલિયન માર્કેટ્સ દિવસના ૧૮.૧ બિલિયન પાઉન્ડની કિંમતના ૧૯.૫ મિલિયન ઔંસ સોનાનો વેપાર કરે છે. બ્રિટિશ કાયદો વિશ્વભરમાં કરાર-સમજૂતીઓનો પાયો છે અને દેશનો કાનૂની વ્યવસાય ૪૭૬ બિલિયન પાઉન્ડ સુધીની રેવન્યુઝ સાથે બીજા ક્રમે છે. લો ફર્મ બેકર મેકેન્ઝીનો અલગ રિપોર્ટ કહે છે કે લંડન સ્ટોક એક્સચેન્જ પર તરતી મૂકાયેલી વિદેશી પેઢીઓનું મૂલ્ય ૨૦૧૭માં પાંચ વર્ષમાં ૬ બિલિયન પાઉન્ડ સુધીની સૌથી વધુ ઊંચાઈએ પહોંચ્યું છે.
ઈયુ રેફરન્ડમ પછી પ્રોજેક્ટ ફીઅર અભિયાનમાં જે દાવા કરાતા હતા તેનાથી વિપરીત બ્રેક્ઝિટના કારણે બ્રિટને હજારો બેન્કિંગ નોકરીઓ ગુમાવવી નહિ પડે તેવા પૂરાવાઓ પણ આવી રહ્યા છે. બ્રેક્ઝિટ પછી લંડન શહેરમાંથી નોકરીઓ ખસેડવાનું ભારે દબાણ બેન્કો અનુભવી હતી. જો લીવ છાવણી જીતે તો ૭૫,૦૦૦ કર્મચારીની હકાલપટ્ટી અથવા અન્યત્ર મોકલી દેવાશે તેવો દાવો કરાયો હતો. હવે તાજા અંદાજો કહે છે કે ડોઈચ બેન્ક, જેપી મોર્ગન અને ગોલ્ડમેન શાસ સહિતની નાણા સંસ્થાઓની ૪,૬૦૦થી પણ ઓછી નોકરી વિદેશ ખસેડાશે. આનો સૌથી મોટો ફટકો લંડન પાસેથી આકર્ષક બિઝનેસ છીનવી લેવા તત્પર હરીફો પેરિસ અને ફ્રેન્કફર્ટ જેવાં શહેરોને પડ્યો છે.